પાટણ જિલ્લાના સમી પંથકના ગોધાણામાં શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવાતી નથી

પાટણ
પાટણ

રક્ષાબંધન ના દિવસે જ ગામમાં બળેવીયા ડૂબી મરતાં રક્ષાબંધનના 28 દિવસ બાદ રક્ષાબંધન ની ઉજવણી થાય છે.

700 વર્ષથી ભાદરવા સુદ તેરસે ગામમાં ભાઈ બહેનને રાખડી બાંધે છે.

સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની ઉજવણી થતી નથી.બહેન ભાઈને રાખડી બાંધવા આવતી નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગોધાણા ગામે જઈ બહેન રક્ષાબંધન પવૅની ઉજવણી કરે છે .

ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સુતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષા બંધન.આ પર્વની ઉજવણી સામાન્ય રીતે  દરેક જગ્યા પર શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પણ પાટણ જિલ્લા ના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોધણા ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનો પર્વ મનાવવામાં આવતો નથી.

આજથી 700 વર્ષ પૂર્વે શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડા માંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા હતા. આ વાત ગ્રામજનોને ખબર થતા તેઓ તળાવ ખાતે દોડી આવ્યા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નહીં. છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. તે દરમ્યાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ પણ આવતો હતો, પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતા શોકનો માહોલ પણ હતો.

જેથી ગ્રામજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો. દિવસો વીત્યા તે દરમ્યાન ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન આવ્યું. જેમાં ગ્રામજનોના આસ્થા સમાં ગોધણશાપીર દાદા આવ્યા અને તેમને કહ્યુ કે આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં ડૂબેલ ચાર યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા. ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતા મોટો ચમત્કાર થયો હતો. આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર આવ્યા હતા, ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચડાવાઈ છે. આજે પણ 700 વર્ષની આ પરંપરા ચાલી આવે છે, અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતું નથી. પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.

આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચડાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે. આ પ્રકારનો ઇતિહાસ ગ્રામજનો જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.