પશ્ચિમ બંગાળ-રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો કેવું રહેશે દિલ્હી-NCRમાં હવામાન
દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. હવામાન વિભાગે આજે કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન જોધપુર, અજમેર અને બિકાનેર વિભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે.
IMDએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 4-5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. કોંકણ અને ગોવા અને ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદ થઈ શકે છે.