બિહારઃ પટનામાં ભારે વરસાદ બાદ વિધાનસભા અને મંત્રીઓના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી
બિહારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. પટનામાં 41.8 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે સ્ટ્રેન્ડ રોડ, રાજબંસી નગર, બોરિંગ રોડ, બેઈલી રોડ અને પાટલીપુત્ર કોલોની સહિતના શહેરના મોટાભાગના પોશ અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. બિહાર વિધાનસભા સંકુલ અને અનેક મંત્રીઓના બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
વરસાદના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર થઈ હતી. પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. શહેરની ઘણી હોસ્પિટલોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શહેરના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.
બિહાર વિધાનસભા સંકુલ અને લગભગ 100 મીટર દૂર રહેતા કેટલાક રાજ્ય મંત્રીઓના સત્તાવાર બંગલા પાણી ભરાવાથી પ્રભાવિત થયા હતા. બિહારના જળ સંસાધન વિભાગના અધિકારીઓએ કહ્યું કે સ્થિતિ હજુ ચિંતાજનક નથી. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદને કારણે રાજ્યમાં ગંડક, કોસી, ગંગા, બુધી ગંડક, મહાનંદા અને કમલા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.