વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ વિજેતાનું સન્માન, હરિયાણાના સીએમ સૈનીએ કરી મોટી જાહેરાત
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે કે હરિયાણા સરકાર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા તરીકે વિનેશ ફોગાટને ઇનામ, સન્માન અને અન્ય સુવિધાઓ આપશે. પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની શ્રેણીની ફાઇનલ મેચ પહેલા વધુ વજન હોવાના કારણે વિનેશને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશના પ્રદર્શન પર સમગ્ર ભારતને ગર્વ
હરિયાણાના સીએમ સૈનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે અમારા માટે વિનેશ ફોગાટ ચેમ્પિયન છે અને સમગ્ર ભારતને વિનેશના પ્રદર્શન પર ગર્વ છે. તેમણે લખ્યું, હરિયાણાની અમારી બહાદુર દીકરી વિનેશ ફોગટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર તે ભલે ઓલિમ્પિકની ફાઈનલ રમી શકી ન હોય પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે વિનેશ ફોગટને મેડલ વિજેતાની જેમ આવકારવામાં આવશે અને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને જે તમામ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ આપવામાં આવશે તે પણ વિનેશ ફોગાટને કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે.