ચોમાસે પણ સીપુ અને દાંતીવાડા ડેમ ખાલીખમ, ખેડૂતો ચિંતિત બન્યા
અડધું ચોમાસું વીતવા આવ્યું હોવા છતાં રાજસ્થાન ના ઉપરવાસ મા હજુ સુધી ભારે વરસાદ ન થતાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદી થી પાણીનું નવું એક ટીપુય આવ્યું નથી. ખેડૂતો હવે દીવસે ને દીવસે ચિંતિત બન્યા છે. અને રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. દક્ષિણ રાજસ્થાનના સીરોહી, માઉન્ટ આબુ ઉપરાંત કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાન ની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં 18% જેટલું પાણી છે. ગત વર્ષે 2023 માં 100% ટકા અને 2022 માં પણ 100% ડેમ ભરાયો હતો. સિંચાઈ માટે પાંચ પાણ શિયાળામાં અને ત્રણ પાણ ઉનાળામાં આપવામાં આવ્યા છે. જ્યારે દાંતીવાડા ડેમ થી થોડા કિલોમીટરના અંતરે દાંતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માત્ર 10.ટકા જ પાણી છે.
વધુમાં વાત કરવામા આવે તો દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામો નું પાણી સીપુ ડેમમાં આવે છે. જે હાલમાં સીપુ ડેમની સપાટી 176.70 મીટર છે. જે 10.ટકા જેટલું પાણી છે. 2022 માં માત્ર 11 % જ્યારે 2023માં 32% ડેમ ભરાયો હતો. સિંચાઈ માટે 25 ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી. હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતાં રાજસ્થાન ના ઉપરવાસ મા સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે.