સાંસદ ગેનીબેનને વાવ બેઠક પર કોંગ્રેસીઓને એકજુટ રાખવાની પડકાર રૂપ જવાબદારી સોંપાઈ

ગુજરાત
ગુજરાત

વાવ બેઠક પર કોંગ્રેસમાં આંતરીક વિખવાદની ભીતિ

ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોરનાં હોમ ગ્રાઉન્ડ સમાન

ઠાકોર ચહેરો ઉતારવો કે અન્ય સમાજમાંથી ટિકિટ આપવાની-અસમંજસની સ્થિતિમાં કોંગ્રેસ અટવાઈ

ઠાકરશી રબારી અને ગુલાબસિંહ રાજપૂત બંનેની મજબૂત દાવેદારી વચ્ચે બળદેવજી ઠાકોરનું નામ પણ રેસમાં

કોંગ્રેસી નેતા જો અપક્ષ તરીકે લડે તો કોંગ્રેસનું રાજકીય ગણિત ખોરવાય તેવી પ્રબળ શક્યતા

ગત વિધાનસભામાં અપક્ષમાં ઉભેલા કોંગ્રેસી ઉમેદવારે 27 હજાર મતો મેળવી કોંગ્રેસનું બી.પી.વધાર્યું હતું: બનાસકાંઠા જિલ્લાની એક તરફ જગતજનની માઁ અંબા તો બીજી તરફ માઁ નડેશ્વરી ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર જિલ્લાવાસીઓની રક્ષા કરી રહ્યાં છે. ત્યારે આ સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ, સુઈગામ, થરાદ જેવા તાલુકાઓમાં અનેકવિધ સરહદી સમસ્યાઓ હજુ પણ યથાવત છે. જોકે, બદલાતા સમય સંજોગોએ આ જિલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યોએ સરહદી સમસ્યાઓને મહદઅંશે નિવારી છે તેમ છતાં હજુ પણ સુઈગામ અને વાવ પંથકની પ્રજા ખેતી તેમજ સિંચાઈ માટે પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તેથી અહીંના સર્વાંગીણ વિકાસ માટે લોકોનો અવાજ બની શકે તેવા મજબૂત જન પ્રતિનિધિની ઝંખના વાવ બેઠકનાં મતદાતાઓ સેવી રહ્યાં છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં સાંસદ બનવાથી આ બેઠક ખાલી થઇ છે, ત્યારે આગામી સમયમાં યોજાનાર વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કોને મેદાનમાં ઉતારે છે ? તે તરફ સહુ કોઈની મિટ મંડાઈ છે. જોકે, વાવ બેઠક પર ઉમેદવાર પસંદગીની સમસ્યા ભાજપ માટે જેટલી જટિલ છે તેથીય વધુ જટિલ કોંગ્રેસ પક્ષ માટે બની છે. તેવામાં જાણકારોનું માનીએ તો જો કોંગ્રેસ ઉમેદવાર પસંદગીમાં થોડું પણ કાચું કાપશે તો વાવ બેઠક ગુમાવવાનો પણ વારો આવી શકે છે. જોકે, આંતરિક બળવો નાં થાય તે માટે હાલ કોંગ્રેસી મોવડી મંડળ છાશને પણ ફૂંકી ફૂંકીને પીતું જોવા મળી રહયુ છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, વાવ બેઠક પર અત્યાર સુધી ભાજપ કરતાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે. અહી ઠાકોર તેમજ ઈતર સમાજની વોટ બેન્ક ખુબ જ મોટી સંખ્યામાં છે, જે મોટાભાગે કોંગ્રેસની તરફેણમાં જતી જોવા મળી છે. પરંતુ ભાજપના શંકરભાઈ ચૌધરી અને પરબતભાઇ પટેલ પણ વાવ બેઠકમાં ભાજપને જીતાડવામાં સફળ રહી ચુક્યા છે. વર્તમાનમાં વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઠાકોર સમાજની બહુમતી ધરાવતી આ સીટ પર કોંગ્રેસ પાસે ઠાકોર નેતાઓમાંથી બે થી ત્રણ નામો ચર્ચાઈ રહ્યાં છે. પરંતુ જો પક્ષ ઠાકોરને ટિકિટ આપે તો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પક્ષને ડુબાડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને જો અન્ય સમાજમાંથી ગુલાબસિંહ રાજપૂત સહીતનાં નેતાઓને ટિકિટ અપાય તો ભાજપ કોઈ ઠાકોરને ટિકિટ આપી કોંગ્રેસની બાજી બગાડી શકે તેમ છે. આમ, ટિકિટ પસંદગી હાલ કોંગ્રેસ માટે એક કોયડા રૂપ બની ગઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

ગેનીબેને ગુલાબસિંહને ટિકિટનું મૌખિક વચન આપ્યાની ચર્ચાથી રાજકીય બજારમાં ગરમાવો: લોકસભાની ચૂંટણી વખતે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સાથે મજબૂતાઈથી ઉભા હતાં અને જીત અપાવવા પૂરતી મદદ કરી હતી ત્યારે ગેનીબેને પણ ગુલાબસિંહને વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ અપાવવાનું મૌખિક વચન આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોનું માનીએ તો આ વાત વહેતી થવાથી વર્ષોથી ગેનીબેનના વફાદાર રહેલાં ઠાકરશીભાઈ રબારી પણ ગેનીબેન અને ગુલાબસિંહથી નારાજ હોવાનાં અહેવાલો મીડિયામાં આવવા લાગ્યા હતાં. આખરે ખુદ ઠાકરશીભાઈએ જ આ અંગે જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી કે તેઓ નારાજ નથી.

બળદેવજી ઠાકોર પણ ગેનીબેનનાં વિશ્વાસુ હોવાથી ટિકિટ માટેનો પેચ ફસાયો: કલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ આ લોકસભામાં ગેનીબેનની પડખે ઉભા રહ્યાં હતાં. તેઓ પણ ગેનીબેનના વિશ્વાસુ સાથી મનાય છે.અને ગેનીબેન બળદેવજીને પોતાના ભાઈ સમાન મિત્ર પણ માને છે.  તેથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ મત ગણતરી કેન્દ્રની બહાર નીકળતા જ ગેનીબેન બળદેવજી ઠાકોરને ભેટી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતાં, જે સમયે બળદેવજી પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. ત્યારે વાવ બેઠક પર જો કોઈ આયાતી ઉમેદવારનું નામ સામે આવે તો બળદેવજી ઠાકોર મેદાન મારી શકે તેમ છે. પરંતુ આ બધા વચ્ચે કોને ટિકિટ આપવાથી ઓછી નારાજગી રહે તે દિશા તરફ કોંગ્રેસે વિચારવાનું શરૂ કરી દીધું છે.

ટિકિટનાં ડખામાં કોંગ્રેસ અનેક વખત વાવ બેઠક ગુમાવી ચુકી હોવાનો રાજકીય ઇતિહાસ: એક સમય હતો જયારે દેશભરમાં કોંગ્રેસનું રાજ હતું. પરંતુ આંતરિક ખેંચતાણ અને સત્તા લાલશામાં કોંગ્રેસ આજે સાવ હાંસીયા પર ધકેલાઈ ગઈ છે. જેને લીધે કોંગ્રેસ માટે એક કહેવત પ્રચલિત થઇ ચુકી છે કે, કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવે છે, કઈંક આવી જ સ્થિતિ બનાસકાંઠાની વાવ બેઠક પર પણ અનેક વખત સામે આવી ચુકી છે. જેમાં કોંગ્રેસનાં આગેવાનોને ટિકિટ નહીં મળતા તેઓએ 2007 અને 2012 માં અપક્ષ ઉભા રહી કોંગ્રેસના જ મતોનું ધ્રુવીકરણ કરી કોંગ્રેસને હરાવવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો હતો. પરિણામે કોંગ્રેસને આંતરિક ક્લેહમાં વાવ બેઠક ગુમાવવી પડી હોય તેવો નજીકનાં સમયનો જ ઇતિહાસ રહેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.