‘કેરળ સરકારને 7 દિવસ પહેલા એલર્ટ કરવામાં આવી હતી’, અમિત શાહે વાયનાડ ભૂસ્ખલન પર કહી આ વાત
કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 132 થઈ ગઈ છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે કેરળ સરકારને ચેતવણી આપવામાં આવી છે.
અમિત શાહે કહ્યું કે કેરળમાં ભૂસ્ખલનની વિનાશક ઘટનાના સાત દિવસ પહેલા રાજ્ય સરકારને આગોતરી ચેતવણી આપવામાં આવી હતી અને 23 જુલાઈએ NDRFની નવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી હતી. જો આ ટીમોને જોઈને પણ રાજ્ય સરકાર સતર્ક થઈ હોત તો ઘણું બધું બચાવી શકાયું હોત.
ભૂસ્ખલનની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો
શાહે કેરળના વાયનાડ જિલ્લામાં વિનાશક ભૂસ્ખલનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ઉચ્ચ ગૃહમાં લાવવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવ પર વિવિધ પક્ષોના સભ્યો દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાનો જવાબ આપતાં જણાવ્યું હતું. તેમણે વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.