વાવમાં કોનો પડશે વટ? લોકસભામાં ગેનીબેનની જીત બાદ ખાલી પડેલ વાવ બેઠક ભાજપ – કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમદેવારોનું ઘોડાપુર

વાવ વિધાનસભામાં અત્યાર સુધી 13 વખત ચૂંટણી જંગ જામી ચુક્યો છે.

વાવ બેઠક પર રેસનો ઘોડો બનવા ટિકિટનાં મુરતિયાઓનો મરણીયો પ્રયાસ

ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર કોંગ્રેસ ઠાકોરને બદલે અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવાં સંકેત

ભાજપ – કોંગ્રેસ બન્નેની એકબીજાની રણનીતિ પર બાજ નજર

2007 પહેલાં વાવ-થરાદ સંયુક્ત બેઠક હતી, જેમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું, 

2012 માં વાવથી ધારાસભ્ય બનેલા ભાજપનાં શંકરભાઈ ચૌધરીએ કરેલા વિકાસ કાર્યો પણ વાવની આગવી ઓળખ

ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય તેમજ રાજસ્થાન રાજ્યની આંતર રાજ્ય સીમા સાથે સંકળાયેલ બનાસ નદીનાં બે કાંઠે વસેલ બનાસકાંઠા જિલ્લો હાલમાં ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બિંદુ બની ગયો છે. સૌ કોઈનાં અચરજ વચ્ચે કોંગ્રેસે તાજેતરની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. પરિણામે વાવ વિધાનસભાનાં ધારાસભ્ય ગેનીબેન સાંસદ બની જતાં તેઓ રાજીનામુ આપી લોકસભા પહોંચ્યા છે. જેથી હવે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કોંગ્રેસ અને ભાજપમાંથી ટિકિટ મેળવવા થનગનતા અનેક નેતાજીઓ ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રેસનો ઘોડો બનવા ગાંધીનગરથી દિલ્હી સુધીનાં ચક્કર લગાવી રહ્યાં છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી સપ્ટેમ્બર મહિના આસપાસ યોજાઈ શકે છે, જેને લઇ ભાજપ- કોંગ્રેસે ચૂંટણી જીતવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેવામાં ટિકિટનાં મુરતિયાઓમાં અનેક નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં  ભાજપમાંથી ગત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર,ખેમજી ઠાકોર, પીરાજી ઠાકોર, લક્ષ્મીબેન ઠાકોર, ભાજપના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલ, માવજીભાઈ પટેલ,રજનીશ ચૌધરી, જીવરાજભાઈ ચૌધરી,ડી.ડી રાજપૂત, ધનજી ગોહિલ, કાનજીભાઈ રાજપૂત, અમીરામ જોશી,ગોવિદ રામ ગામોટ, પીરાજી ગામોટ, ગુમાનસિંહ ચૌહાણ તેમજ ગજેન્દ્રસિંહ ચૌહાણના નામો ચર્ચામાં છે. જ્યારે કોંગ્રેસમાંથી થરાદનાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત,કે.પી. ગઢવી,ઠાકરસીભાઈ રબારી, દુદાજી સોલંકી, બળદેવજી ઠાકોર,નરસિંહ સોલંકી તેમજ સુરેશ ત્રિવેદી  જેવા નામોની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પરંતુ ભાજપ કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટની ફાળવણીમાં  કોથળામાંથી બિલાડુ નીકળ્યું તો બંને પાર્ટીમાં કાં તો નારાજગી કાં તો બળવાના એધાણ થઈ શકે છે. જો કે વાવની રાજનીતિનાં જાણકાર વરીષ્ઠ પત્રકારોએ જણાવ્યું હતું કે, જે પણ પાર્ટીમાં  ટિકિટને લઇ આંતરિક વિખવાદ વધારે હશે તે પાર્ટીને આ પેટા ચૂંટણીમાં મતોનાં ધ્રુવીકરણનો સામનો પણ કરવો પડી શકે છે. જે વાવ બેઠકનાં રાજકીય સમીકરણને પણ બગાડી શકે તેમ છે.હાલમાં તો આ પેટા ચૂંટણી ઉપર સમગ્ર રાજ્યની નજર મંડરાઈ છે.

કોંગ્રેસ જેને ઉમેદવાર બનાવે તેને જીતાડી વાવનો વટ પાડો : ગેનીબેન ઠાકોર બનાસકાંઠાનાં નવા ચૂંટાયેલ સાંસદ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજનાં કાર્યકરો સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, તમારાં બધાનાં પ્રતાપે હું ધારાસભ્યમાંથી સાંસદ બની છતાં તમે ક્યારેય સમાજનું કે પક્ષનું નામ ખરાબ થાય તેવું ખોટું કામ કર્યું નથી. તેથી આ વખતે પણ વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી આવનાર છે તેમાં કોંગ્રેસ પક્ષ જેને પણ ટિકિટ આપે તેને જીતાડવા ઠાકોર સમાજ એકજુટ થઇ કામે લાગે. તેમજ  ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે ત્યારે ફરીથી આગેવાનો- કાર્યકરોને બોલાવી ચૂંટણીની રણનીતિ બનાવીશું. વધુમાં ઠાકોર સમાજે પહેલાં જેવી જ મહેનત કરવાની છે તેવું કહી એ વાતનો ઈશારો પણ આપી દીધો કે કદાચ કોંગ્રેસ વાવથી ઠાકોરને બદલે અન્ય સમાજને ટિકિટ આપવાનું મન બનાવી રહી છે. જોકે, ગેનીબેનની જીત બાદ ગેનીબેનનાં રાજીનામાંથી જ આ બેઠક ખાલી થઇ હોવાથી આ બેઠક ગેનીબેન અને કોંગ્રેસ બંને માટે શાખનો સવાલ છે. જેમાં કોઈ બે-મત નથી.

કોઈપણ ભોગે વાવ બેઠક જીતવા ભાજપની વિશેષ વ્યૂહરચના: ગુજરાતમાં ભાજપનો વિજય રથ બનાસની બેન ગેનીબેને અટકાવી દીધો પરંતુ 26 માંથી 25 બેઠક જીત્યા બાદ પણ બનાસકાંઠા બેઠક ગુમાવવાનું દુઃખ ભાજપ હજુ સુધી ભૂલી શક્યું નથી અને તેને કારણે એ જ બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપે એક મજબૂત રાજકીય વ્યુહરચના ગોઠવી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ રાજકીય સોગઠે બાજી ગોઠવી ભાજપને જીતાડવામાં માહેર હોવાથી તાજેતરમાં યોજાનાર ગુજરાતની પેટા ચૂંટણી સુધી પાટીલને અધ્યક્ષ પદે જાળવી રાખવામાં આવ્યા છે. એટલું જ નહિ, ભાજપે વાવ બેઠકનાં પ્રભારી તરીકે બ્રાહ્મણ તેમજ રબારી સમાજનાં નેતાઓને જવાબદારી સોંપી કોંગ્રેસ સામે કોઈ ઠાકોર ચહેરો ઉતારવો કે અન્ય સમાજનાં નેતાનાં નામ પર મહોર મારવી તેનાં માટે આંતરિક લેવલે વાવમાં સર્વે પણ શરૂ કરી દીધો હોવાનું મનાય છે. જોકે રાજકીય પંડિતોનું માનીએ તો ભાજપે કયો ઉમેદવાર વાવમાં ચાલી શકશે તેનાં માટેનો સર્વે શરૂ કરવાની સાથે-સાથે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારવા જઈ રહી છે તેની ઉપર પણ વોચ ગોઠવવાનું શરૂ કર્યું છે. આમ, ભાજપ બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ સામ, દામ, દંડ અને ભેદની ચારેય નીતિઓ અપનાવીને પણ  જીત મેળવવા સંપૂર્ણ રીતે સજ્જ બન્યું હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યાં છે.

કોંગ્રેસ બનાસકાંઠા જીત્યું છતાં વાવમાં માઇનસ હતું, જે ભાજપ માટે આશાનું કીરણ સમાન: ગેનીબેન ઠાકોર વર્ષ 2022 નાં ડિસેમ્બર મહિનામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 15,601 મતોથી હરાવી વાવનાં ધારાસભ્ય બન્યા હતાં. પરંતુ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠા લોકસભા સીટનાં ઉમેદવાર બનાવ્યા અને ગેનીબેન ભાજપનાં રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતોથી હરાવી બનાસકાંઠાનાં સાંસદ બની ગયા, પરિણામે આ વાવ વિધાનસભા બેઠક પરથી ગેનીબેને રાજીનામુ આપ્યું, હવે આ ખાલી પડેલ બેઠક પર આગામી દોઢ મહિનામાં પેટા ચૂંટણી યોજાનાર છે. જોકે, ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક રોકનાર ગેનીબેન ખુદ પોતાના જ મત વિસ્તાર વાવમાં એક હજાર મતોથી ભાજપ કરતાં પાછળ રહ્યાં હતાં,જેને લીધે બનાસકાંઠા ગુમાવવાના અફસોસ વચ્ચે વાવમાં મળેલી લીડ ભાજપ માટે વાવ પેટા ચૂંટણી જીતવા એક આશાનું કિરણ બની સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભાજપ લોકસભામાં વાવથી મેળવેલ લીડને વિધાનસભા પેટા ચૂંટણીમાં જાળવી રાખવામાં સફળ થાય છે કે નહિ ? જેનો  જવાબ મતદાતાઓનાં મનમાં છુપાયેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.