મન બંધનનું મૂળ છે મન મુક્તિ ઉપાય વિકૃત મન બાંધ્યું રહે નિર્વીકાર ખુલી જાય
મન મેલા, તન ઊજલા, બગલા કપટી અંગ, તાતે તે કૌઆ ભલા, તન મન એકહી રંગ. મન હોય તો માળવે જવાય. મન માંકડા જેવું છે. એ સતત કંઈ ને કંઈ કર્યા કરતું હોય છે પણ એ કંઈ ને કંઈ કરે એને માટે જેટલો વાંધો છે એના કરતાં એ આપણને ઉંઘે રસ્તે લઈ જાય છે એને માટે આપણને વધારે વાંધો હોય છે. આપણે જો નક્કી કરીએ કે આજે સાંજે અરધો કલાક ચાલવું છે, તો મન નહીં ચાલવા માટેનાં બહાનાં શોધવા પાછળ તરત પડી જાય છે. અને આપણે એ અરધો કલાક ન ચાલી એ એને માટે સતત આપણું મન પ્રયત્ન કરતું હોય છે. આપણે જ લીધેલા નિર્ણયને તોડીને આપણે એક આસુરી આનંદ માણીએ છીએ. થોડા સમય પછી આપણને દુ:ખ થાય છે કે આપણે શા માટે બહાનું કાઢીને અરધો કલાક ચાલવાનું ટાળ્યું ? આમ આપણે આપણી જાતને જ શક્તિહીન બનાવીએ છીએ.તો આવો મન વિશે થોડું જાણીએ.
મનુષ્યના મનમાં એક યા બીજા પ્રકારના વિચારો અવિરત ચાલતા જ હોય છે.એ ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી.એટલે જ અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને ગીતામાં કહે છે કે “હે કૃષ્ણ, આ મન ખૂબ જ ચંચળ છે. ઈન્દ્રિયોને વિહવળ કરનારું, બળવાન અને હઠીલું છે.એને રોકવું એ તો વાયુને રોકવા જેવું અત્યંત મુશ્કેલ કાર્ય છે.” ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનની વાતનું સમર્થન કરતાં કહે છે કે “તારી વાત સાચી છે. મન ચંચળ અને સહેલાઈથી વશ થાય તેવું નથી. છતાં પણ હે અર્જુન તે અભ્યાસ અને વૈરાગ્યથી જરૂર વશ થાય છે.આમ ભગવાને મનને વશ કરવા માટે અભ્યાસ એટલે કે મન ને રોજેરોજ તાલીમ આપવાનો અને વૈરાગ્યનો માર્ગ બતાવી દીધો છે.
આપણું મન અતિ ચંચળ છે. સરકસના સિંહ જેવું છે. જ્યારે સરકસના સિંહને શરૂઆતમાં તાલીમ આપવામાં આવે છે, ત્યારે તે ઘૂરકિયાં કરે છે. રીંગ માસ્ટરના એકે ય આદેશનું પાલન કરતો નથી પણ છતાં ય રીંગ માસ્ટર એને છોડતો નથી. તેને રોજેરોજ ફરજિયાત તાલીમ આપે છે. એની પાસે પરાણે કામ કરાવે છે. પછી સિંહને થાય છે કે હવે તાબે થયા વગર છૂટકો જ નથી. એ સહકાર આપવા લાગે છે અનેપછી તો કેવો આજ્ઞાપાલક બની જાય છે ! એવું જ મનનું છે. શરૂઆતમાં જ્યારે તેને કોઈ વસ્તુકે વિષય પર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે ખૂબ છટપટવા લાગે છે. કેમે ય એકાગ્ર થતું નથી. બળવો પોકારે છે. ભાગદોડ મચાવી દે છે. પણ રીંગમાસ્ટરની જેમ આપણે આપણા મનને ફરજિયાતપણે તાલીમ આપવાની રહે છે. રોજ નિશ્ચિત સમયે આ તાલીમ આપવાથી પછી મનને ખબર પડી જાય છે કે અહીં મારું ચાલવાનુ નથી એટલે છટપટવાનું બંધ કરીને સહકાર આપતું થઈ જાય છે. આ તાલીમ માટેની વિવિધ પદ્ધતિઓ આ માર્ગના નિષ્ણાતોએ બતાવેલી છે.તે આપણે હવે જોઈએ. શ્રીમાતાજીએ આ પદ્ધતિ બતાવેલી છે. તેઓ કહે છે, “મનને મૌન રાખતાં, એકાગ્રતા કરતાં શીખવવાનું છે. જો તમે તેના માટે સીધે સીધો પ્રયત્ન કરશો તો એ મુશ્કેલ છે. કેમકે મનનો સહુથી મોટો ભાગ એનું કાર્ય કરવાનું બંધ કરતો નથી.એ ટેપરેકોર્ડરની માફક સતત ચાલ્યા કરે છે. રેકોર્ડ થયેલી વસ્તુઓનું પુનરાવર્તન કર્યા કરે છે. પણ જો તમે તમારી ચેતનાને સામાન્ય મનથી ઉપરના પ્રદેશમાં ઉઠાવી દો તો પ્રકાશ પ્રત્યેનું એ ઉદ્દઘાટન તમારા મનને શાંત કરી દે છે. પછી એ હલન-ચલન કરતું નથી. એકવાર એ પ્રદેશમાં ગયા પછી તમે એમાંથી પાછા ન આવો તેવું બને અને તમારું બાહ્ય મન શાંત રહે છે.” આ પદ્ધતિમાં સતત ભ્રમણ કરી રહેલા મનને દિવ્ય ચેતના પ્રત્યે ખુલ્લું કરવાનું છે. તેમાં તે માટેની અભીપ્સા અને સતત પ્રાર્થના કરતા રહેવાથી તેમ જ, દિવ્ય ચેતનાનું આવાહન કરીને તે મનના પ્રદેશોમાં ઊતરી રહી છે તેવી શ્રદ્ધાપૂર્વક ભાવના કરવાથી, પછી એ ભાવના વાસ્તવિકતામાં પરિણમવા લાગે છે. મનને દિવ્ય ચેતનાનો જેમ જેમ સ્પર્શ થતો જાય છે, તેમ તેમ તેનામાં શાંતિ અને સ્થિરતા આવતાં જાય છે. પણ તો એ મનમાં શાંતિ સ્થાયી બની રહે છે. મન ગમે તે કામમાં રોકાયેલું હોય તો પણ એ શાંતિમાં સ્થિર હોય છે.
નાના બાળકનેજેમ સમજાવવામાં આવે છે,તે જ રીતે મનને પણ સમજાવવું પડે છે. એની સાથે વાર્તાલાપ કરવો પડે છે. સાચું શું છે, એ મનની આગળ વારંવાર રજૂ કરવું પડે છે. એકવાર મનને સાચી વસ્તુ સમજાઈ જાય અને તેમાં એ દૃઢ થઈ જાય તો પછી તે પ્રમાણે વર્તન કરવા લાગે છે.મનને સમજાવવામાં શાસ્ત્રોના વચનો અને સંતોનો બોધ જરૂર લાભ દાયી બને,પરંતુ જો મન તૈયાર ન હોય તો એ બધું ક્ષણિક નીવડે છે. આથી વ્યક્તિએ પોતે જ પોતાના મનનો અભ્યાસ કરીને, તેની પ્રકૃતિ જાણીને પછી તેને સમજાવવું પડે છે.જ્યાં સુધી વ્યક્તિને પોતાને આંતરિક રીતે મનની શાંતિની જરૂર જણાતી નથી ત્યાં સુધી બહારની મદદ ઉપયોગી નીવડતી નથી.વ્યક્તિએ પોતે જાગૃત થવાનું છે,મનને જાણવાનું છે અને પછી એ મનને સમજાવવાનું છેકે અત્યાર સુધી જે ચિંતાઓ કરી,જે વિચારો કર્યા બીજાઓ વિશે જે અભિપ્રાયો બાંધ્યા ને જે દોડાદોડી કરી તેનાથી આખરે મળ્યું શું ?થાક નિરાશા, દુઃખ વગરે જ તો.જો આ બધું ન કર્યું હોત તો જીવન જીવી શકાયું હોત કે નહીં ? તોએ જીવન કેવું હોત? એમાં શાંતિ હોત. વ્યર્થ દોડાદોડ ન હોત.ચિંતા કે ઉદ્વેગ ન હોત!આવી ઉત્કૃષ્ટ સ્થિતિ છોડીને મનની પાછળ શા માટે ભટકું છું ? જાગ્યા ત્યાંથી સવાર. હવે મનની પાછળ બિલકુલ દોડવું નથી. તેમ છતાં જો મન ભટકવા લાગે તો મનને જોરથી કહેવું પડે છે કે ‘બસ બહુ થયું, હવે તું ચૂપ રહે.” થોડો વખત સભાનપણે આ રીતે કરવાથી મન શાંત થવા લાગે છે.
મનની એવી પ્રકૃતિ છે કે જેમાં તેને રસ પડે તેમાં તે પૂરેપૂરું એકાગ્રથઈ જાય છે.પરંતુ મોટેભાગે મનુષ્યોના રસના વિષયો નિમ્ન હોવાથી મન ની શક્તિઓ અધોગામી બનીને વેડફાઈ જાય છે. જેમને ફિલ્મ જોવામાં રસ હોય છે, તેઓ તે જોવામાં એટલા તન્મય બની જાય છે કે તેમને આજુબાજુનું કંઈ ભાન રહેતું નથી.એ જ રીતે જેમને નાચ-ગાન માં રસ હોય છે, તેઓ આખી રાત જાગીને નાચ-ગાન કરે છે,એમાં એમને નથી ઊંઘ આવતી કે નથી થાક લાગતો.નાચગાનના જલસામાં તેઓ પોતાની જાતને પણ ભૂલી જતા હોય છે.આમ મનની એકાગ્ર થવાની સ્વાભાવિક સ્થિતિ તો છે જ. પણ તેના રસના વિષયો જુદા છે. જો એ રસના વિષયો બદલી નાંખવામાં આવે તો એકાગ્રતા જલ્દી આવે છે.
કાબૂમાં લેવાનો પહેલો પાઠ એ છે કે અમુક સમય માટે શાંતિથી બેસી રહેવું ને મનને દોડી લેવા દેવું. મનમાં વૃત્તિના ઉછાળા પળેપળે ઊછળ્યા જ કરે છે. એ પેલા કૂદાકૂદ કરતા વાંદરા જેવી સ્થિતિમાં હોય છે. વાંદરાને ગમે તેટલું કૂદવા દો; તમે માત્ર શું થાય છે, તે જોયા કરો. એક કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે, એ સાચું છે. મન શું કરે છે, એ જાણો નહીં ત્યાં સુધી તમે તેને નિયમનમાં નહીં રાખી શકો. એને લગામ ચડાવો; ઘણા ભયંકર વિચારો એમાં આવી શકે; આવા વિચારો મનમાં આવી શકે તે વાતથી કદાચ તમને આશ્ચર્ય થશે, પણ પછી જણાશે કે દિવસે દિવસે મનની ચંચળતાનું જોર ઘટતું જાય છે. એ શાંત બનતું જાય છે. શરૂઆતના થોડા મહિનામાં તમને જણાશે કે મનમાં આવતા વિચારો થોડાઘણા ઓછા થયા છે. ધીમે ધીમે વખત જતાં એ સાવ ઓછા થતા જણાશે અને છેવટે મન સંપૂર્ણ કાબુમાં આવી જશે પણ આપણે ધીરજ રાખી પ્રતિદિન અભ્યાસ ચાલુ રાખવો જોઈએ આમાં મન ઉપર સીધું નિયંત્રણ મૂકવાની વાત નથી. પણ મનને છુટ્ટું મૂકી દેવાનું છે. પરંતુ સાથે સાથે મનની દરેક ગતિવિધિને જોતા રહેવાની પણ છે.જેમ સી.આઈ.ડી. ઈન્સ્પેકટર કોઈ વ્યક્તિની પાછળ પડયો હોય તો તે તેની તમામ કાર્યવાહીને દૂર રહીને છૂપી રીતે જોયા કરતો હોય છે. એમ મનના ભ્રમણોમાં આનંદ લીધા વગર, એમાં ઓતપ્રોત થયા વગર તેનું નિરીક્ષણ કરવાનું છે.આ રીતે સતત નિરીક્ષણથી મન પછી આપોઆપ શાંત થવા લાગે છે. પણ આ પ્રક્રિયા કંઈ એક દિવસમાં સિદ્ધ થઈ જતી નથી. ઘણો લાંબો સમય લાગે છે. પણ ધીરજપૂર્વક સતત પ્રયત્ન કરવાથી મનની શાંતિ ની જે ઉપલબ્ધિ થાય છે, તે કંઈ જેવી તેવી નથી !આ સંદર્ભમાં શ્રી રામકૃષ્ણદેવે એમના એક શિષ્યને દિશા બદલવાની વાત કરી હતી. શિષ્યે શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું હતું કે મનમાંથી વાસના કેવી રીતે દૂર થાય ?તેને ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે પશ્ચિમ દિશામાંથી જો બહાર નીકળવું હોય તો પૂર્વ દિશા તરફ ચાલવા માંડવાનું એટલે પશ્ચિમ દિશા આપોઆપ છૂટી જશે.એ જ રીતે મનને ભગવાન તરફ વાળી દે. મનમાંથી કામ આપોઆપ ચાલ્યો જશે. મનને શાંત કરવા માટે મનની સાથે ઝઘડો કરવાની જરૂર નથી કલાકોના ધ્યાન કરવાથી પણ જરૂર નથી ફક્ત જરૂર છે મનની દિશા બદલવાની મનના રસના વિષયો બદલવાની જો રસનો વિષય સર્વસુંદર એવા ભગવાન જ હોય તો પછી એ મન મીરાંની જેમ રાજપાટના વૈભવ વિલાસની વચ્ચે પણ શ્યામ સુંદર કૃષ્ણ પરથી સહેજે દૂર થઈ શકતું નથી.
વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજે ખેડૂતો પશુપાલકો મેઘરાજાના આગમન વગર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિહવળ બન્યા છે ત્યારે પ્રાર્થના કરીએ કે હવે મેઘરાજા મહેરબાની કરે.
યશપાલસિંહ ટી વાઘેલા દરબાર ગઢ થરા