શંકાસ્પદ ચાંદીપુરાએ દેખા દેતા ફફડાટ : પાટણ, દાંતીવાડા અને પાલનપુર શહેરમાંથી મળી આવ્યા 3 શંકાસ્પદ કેસ

પાટણ
પાટણ

બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરાએ દેખા દેતા ફફડાટ!!!, જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

પાડણ, દાંતીવાડા અને પાલનપુર શહેરમાંથી મળી આવ્યા 3 શંકાસ્પદ કેસ: રાજ્યમાં કોરોના બાદ ચાંદીપુરા વાયરસે કોહરામ મચાવ્યો છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લા માં પણ ચાંદીપુરા વાયરસે દેખા દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 3 શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લાના પાડણ, દાંતીવાડા અને પાલનપુરમાંથી ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો ધરાવતા 3 શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો ધરાવતા 3 શંકાસ્પદ કેસો મળી આવતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. જિલ્લામાં પ્રથમ કેસ સુઇગામ તાલુકાના પાડણ ગામ માં, બીજો કેસ દાંતીવાડામાં અને ત્રીજો પાલનપુરના શહેરી વિસ્તાર માંથી મળી આવ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લાના આરોગ્ય વિભાગના એપેડેમીક અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, દાંતીવાડા ખાતે 16 વર્ષીય વિદ્યાર્થી માં ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીને જાડા, ઉલટી, ચક્કર, તાવ આવતા બેભાન થઈ જતા તેને જાયડ્સ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કરાયો છે. આ અંગે આરોગ્ય વિભાગ ને જાણ થતા સરકારના પ્રોટોકોલ મુજબ વિદ્યાર્થીના સેમ્પલ લઈ ગાંધીનગર લેબમાં મોકલ્યા છે. જેનો બે દિવસમાં રિપોર્ટ આવી જશે. જોકે, બનાસકાંઠા જિલ્લા માં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસના રિપોર્ટ કરાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

જિલ્લામાં 03 શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર હરકતમાં: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા 3 શંકાસ્પદ કેસ મળી આવ્યા હોવાનો રિપોર્ટ કરાયો છે. જેમાં સૌ પ્રથમ કેસ સુઇગામ તાલુકાના પાડણ ગામમાં 4 વર્ષનો બાળક, દાંતીવાડામાં 16 વર્ષનો વિદ્યાર્થી અને આજે પાલનપુર શહેરમાંથી 8 વર્ષની દીકરી સહિત ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ મળી આવ્યા હોવાનો રિપોર્ટ કરાયો છે. જોકે, શંકાસ્પદ 3 કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

આરોગ્ય તંત્ર એલર્ટ મોડ માં : ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા માં 763 સબ સેન્ટરો, 28 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 4 સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં કાર્યરત આરોગ્ય કર્મીઓ સજ્જ છે. 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળે તો સારવાર માટેની તમામ વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરાઇ હોવાનું ડો.જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું.

માખીથી થતો રોગ: સાવચેતી એજ સલામતી ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે જોવા ન મળતી અને બહુ ઊંચે ઉડી ન શકતી માખીથી ફેલાય છે. માણસથી માણસમાં ફેલાતો રોગ નથી. લોકોને ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગના ડો. ભારમલભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ માખી મોટાભાગે રાત્રે જ બહાર નીકળે છે અને કરડે છે. જે કાચા મકાન અને લિંપણવાળા ઘરોમાંની તિરાડોમાં રહે છે. જેથી તિરાડો પુરી દેવી જોઈએ. રાત્રે ઉંઘતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બાળકોને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવવા જોઈએ મુખ્યત્વે સ્વચ્છતા પર ભાર મુકતા તેઓએ માખીનો ઉપદ્રવ અટકાવવા પર ભાર મુક્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.