પોરબંદરમાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ

ગુજરાત
ગુજરાત

પોરબંદરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.

પોરબંદરમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદરમાં ધીમીધારે વરસાદ હજુ યથાવત છે.

જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત ખેતમજુરો ફસાયા હતા. ખેત મજુરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.

પોરબંદર-કાનાલુસ સેક્શનમાં પાણી ભરાયા છે. જેના કારણે 3 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે જ્યારે 4 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. જ્યારે 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ – પોરબંદર એકસપ્રેસ જેતલસર સુધી જ પહોંચી શકી છે. જેથી રેલ વ્યવહારને અસર થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે. જેના કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરાઈ છે તો કેટલીક ટ્રેનોને રીશેડ્યુલ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ થયો છે. ગઈકાલે તા.૧૮ ના રોજ ૩૫૦ મીમી અને આને તા.૧૯ ના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં ૨૧૫ મીમી વરસાદ થયો છે. આમ ૩૬ કલાકમાં ૫૬૫ મીમી વરસાદ પડ્યો છે.

જેનાપગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટ તંત્રની ટીમોએ ગઈ રાતથી આજે દિવસ દરમિયાન ફિલ્ડમાં રહીને રેસ્ક્યુ સહિતની કામગીરી કરી હતી. પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ હતું અને ગઈ રાતથી વિવિધ ટીમો બનાવીને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્વરિત પગલા લેવામાં આવ્યા હતા.

રાત્રે રાણાવાવમાં માતા પુત્રી ઘરમાં પાણી ફરી વળતા ફસાયા હતા તેમને પણ ટીમોએ બહાર સલામત રીતે લઈ આવી કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં  અચાનક વરસાદી પાણી આવી જતા એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલા જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા ૧૧ વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.