કડીના આજુબાજુના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા યુવકને એસ.ઓ.જી એ ઝડપ્યો
કડીના આજુબાજુના વિસ્તારમાં તેમજ મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર દિવસેને દિવસે ડ્રગ્સ ના વેચાણનું પ્રમાણ વધતું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કારણે યુવાધન MD ડ્રગ્સના રવાડે ચડતા જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મહેસાણા SOGએ નંદાસણ વિસ્તારમાંથી MDનું વેચાણ કરતા યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
મહેસાણા એસઓજી સ્ટાફના માણસોને માહિતી મળતાની સાથે જ સ્ટાફના માણસો કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગણેશપુરા પાસે સર્વિસ રોડ ઉપર પહોંચતા એક સફેદ કલરની વાર્ના ગાડી પડેલી જોઈ હતી. સ્ટાફના માણસોને શંકા પડતા સ્ટાફે ગાડી GJ-1-KH-5881 પાસે પહોંચી સૈયદ સદ્દામહુસેન ઝાકીરહુસેન રહે. નંદાસણ કડીની અટક કરી હતી. તેમજ તેની પાસે રહેલો સફેદ કલરનો પાવડર જપ્ત કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા FSLને જાણ કરવામાં આવી હતી.
FSLની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જે શંકાસ્પદ નશાયુક્ત પાવડર મળી આવ્યો હતો. તેની ચકાસણી કરતા તે MD ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે 58 ગ્રામ 19 મીલી ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા રૂ. 5,80,190 તેમજ ગાડી કિંમત રૂપિયા 2 લાખ, રોકડ રકમ 59,000 એમ કુલ કિંમત રૂપિયા 8,44,290 જપ્ત તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
Tags selling drugs SOG the link