બનાસકાંઠાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈ એલર્ટ : સમગ્ર જિલ્લામાં વાયરસનો એક પણ કેસ નથી
આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ઘરે ઘરે સઘન સર્વેલન્સ હાથ ધરાયુ: સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવતા ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે.આરોગ્ય વિભાગના જિલ્લા એપેડેમિક અધિકારી ડૉ.જીગ્નેશ હરિયાણીના જણાવ્યા અનુસાર હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વાયરસનો એક પણ કેસ નથી. જિલ્લાના 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 28 સામુહિક આરોગ્ય કેન્દ્ર ,4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એક જિલ્લા હોસ્પિટલમાં તમામ મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફને આ અંગેની જાણકારી 15 દિવસ પહેલા જ આપી દેવામાં આવી છે અને તેમને વાયરસ સંબધી સારવાર સહિતની માહિતીથી પણ સજ્જ કરાયા છે.
વિવિધ આરોગ્યની ટીમોએ ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે અને તેઓ દ્વારા જનજાગૃતિ માટે દરેક લોકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે. માટીના ઘરો, સિમેન્ટ વગરના ઘરો અને લીંપણના ઘરો જ્યાં જોવા મળે ત્યાં આરોગ્યની ટીમો દ્વારા લોકોને તેનું પ્લાસ્ટર કરી દેવામાં આવે અથવા છાણથી લીપણ કરી દેવામાં આવે તેની જાણકારી આપવામાં આવે છે.તેમજ વધુમાં જ્યાં જોખમી લાગે ત્યાં પાંચ ટકા મેલેથીન પાવડર દ્વારા ત્યાં છંટકાવ કરીને ત્યાં માખીઓની ઉત્પત્તિ ન વધે તે માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સેનફ્લાય એટલે કે રેતીની માખીનો ઉપદ્રવ વધારે જોવા મળે તેવી જગ્યાઓનું પણ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.
શું છે ચાંદીપુરા રોગના લક્ષણો? બાળ રોગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વધુ પડતો તાવ આવવો, ઉલટી થવી, ઉબકા આવવા, પેટમાં દુખવું, ઝાડા થવા અને મગજનો તાવ આવવો તેને વાયરલ એનકે ફેલાઈટીસ કહેવામાં આવે છે.મગજના તંતુઓમાં આ વાયરસ જવાનાં કારણે બાળકની બેભાન થવા જેવી અવસ્થા થઈ જાય છે .તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો જોઈએ.
બાળકોમાં વાયરસનું વધુ જોખમ: ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વાયરસ એડિસ દ્વારા ફેલાય છે. જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આર.એન.એ. વાયરસ માને છે. આ વાયરસની અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે જે પણ મૃત્યુ થયા છે તે ખાસ કરીને આ વય જૂથમાં જોવા મળે છે.