પાટણ ના રેલ્વે સ્ટેશન રોડ પર વાહનો અને લારીઓના જામતા જમેલા થી ટ્રાફિક ની સમસ્યા વકરી

પાટણ
પાટણ

પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજાથી રેલ્વે સ્ટેશનને જોડતા બંને તરફના માર્ગ પર આવેલ ગૌરવપથ પર ખાનગી વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગ અને લારીઓના અડીંગાને લઈ ટ્રાફીક ની સમસ્યા ઉદભવતી હોવાની સાથે આ માગૅ પર ટ્રાફિક નિયમનનું સરેઆમ લોકો ઉલ્લંઘન કરી રહ્યા છે.

શહેરના બગવાડા ચોક થી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીકનું નિયમન કરતા ટ્રાફીક પોલીસનો પોઈન્ટ હોવા છતાં અહીંયા ટ્રાફીક નિયમન માટે કોઈ પોલીસ કર્મચારી હાજર ન હોવાના કારણે ટ્રાફીકની વરવી સમસ્યા સર્જાય છે. સાથે સાથે ખાનગી સટલિયા વાહનો ના આડેધડ પાર્કિગ ના કારણે અન્ય વાહન ચાલકોને પણ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

શહેરની આ ટ્રાફિક સમસ્યાને નિવારવા પાટણ નગરપાલિકા દ્વારા ગૌરવપથ પર થઈ રહેલા લારીઓના દબાણ દુર કરવા તેમજ પોલીસતંત્ર દ્વારા નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.

શહેરના બગવાડા ચોકથી રેલ્વેસ્ટેશન માર્ગ પર આડેધડ વાહનપાર્કિંગો, ખાનગી વાહનચાલકોની દાદાગીરી અને શાકભાજીની લારીઓના અડીંગાને લઈ શાળા,કોલેજ તેમજ ઓફીસોના ટાઈમે ટ્રાફીકનો ચકકાજામ સર્જાય છે .જેને કારણે લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શકતા નથી. તો આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો અને દવાખાનાઓમાં દર્દીઓ તેમજ તેમના સગાવ્હાલાઓને તેમના વાહનો મુકવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તેમજ  બગવાડા ચોક વિસ્તારમાં સરદાર પટેલના બાવલાથી રેલ્વેસ્ટેશન માર્ગ પર આવેલ વિવેકાનંદના બાવલા સુધીના બંને તરફના માર્ગ પર આડેધડ દબાણોને કારણે માર્ગો પણ સાંકડા થઈ જાય છે .જેથી વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બની જાય છે .ત્યારે રોજેરોજ સર્જાતી આવી સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકા અને પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.