ડીસા રેલવે સ્ટેશનમાં બે વર્ષથી ઇન્ડિકેટરનો અભાવ : રિઝર્વેશનના ડબ્બા બદલાવાના સંજોગોમાં મુસાફરોને ભારે દોડધામ કરવાનો વારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારે હાડમારીઓ વેઠતા મુસાફરોની રેલવે મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા અને નવા બનાવેલા રેલ્વે સ્ટેશનમાં હજુ સુધી સુવિધાઓનો અભાવ છે. તેમાં પણ છેલ્લા બે વર્ષથી પ્લેટફોર્મ પર હજુ સુધી ઇન્ડિકેટર નાખવામાં આવ્યા નથી. પરિણામે રેલવેમાં પ્રવાસ કરતા યાત્રિકોને પોતાનો ડબ્બો ક્યાં આવશે તેની જાણ ન થતા ભારે દોડધામ કરવી પડે છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

ડીસા શહેર વેપારની દ્રષ્ટિએ મહત્વનું છે. જે રાજસ્થાન અને અન્ય રાજ્યના વ્યાપારીઓ સાથે વ્યાપારની દ્રષ્ટિએ અગ્રસ્થાને છે. ત્યારે અહીંયા આવેલા રેલ્વે સ્ટેશનને નવું તો બનાવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. જેને લઈને મુસાફરોને ખૂબ જ અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના રેલવે સ્ટેશનથી ભુજ,પાલનપુર, મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જતા અને આવતા મુસાફરોને માટે ડીસાથી સોમવારે અને શુક્રવારે રાત્રે ભુજ – બાંદ્રા ટ્રેન (નંબર 12960 અને 12966) મળી રહે છે. પરંતુ આ ટ્રેનના રિઝર્વેશનના કોચ કઈ જગ્યાએ આવશે ? તે જાણવા માટે છેલ્લા બે વર્ષથી પ્લેટફોર્મ ઉપર ઇન્ડિકેટર લગાવવામાં આવ્યા નથી. તેને લઈને મુસાફરો ભારે અવઢવમાં મુકાય છે. પરિણામે તેઓને ખૂબ જ હાલાકીઓનો સામનો કરવો પડે છે. તેમાંય પ્લેટફોર્મ પર ડબ્બાની સ્થિતિમાં જો અચાનક જ બદલાવ આવે તો તેની મુસાફરોને કોઈ જાણ થતી નથી અને છેલ્લી ઘડીએ યાત્રિકોને પ્લેટફોર્મ ઉપર દોડધામ કરવાનો વારો આવે છે,  ક્યારેક ટ્રેન ચૂકી જવાની ઘટના પણ બને છે. તેમાંય સિનિયર સિટીઝનો ભારે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના શુક્રવાર ને 12 જુલાઈની રાત્રે એક સિનિયર સિટીઝન સાથે બનવા પામી હતી. રેલવેનો ડબ્બો પાછળના બદલે આગળ આવી જતા તેમના પરિવારને ભારે દોડધામ કરવી પડી હતી. અહીંયા સ્ટોપેજનો સમય પણ ઓછો હોવાથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા રેલવે સ્ટેશન ખાતેથી રોજના 200 થી વધુ મુસાફરો મુંબઈ તરફના અલગ અલગ સ્ટેશનો માટે જતા – આવતા હોય છે. ત્યારે અહીંયા ટ્રેનોના સ્ટોપેજનો સમય વધારવાની અને ઇન્ડિકેટરને વહેલી તકે રેલવે વિભાગે લગાવવાની જરૂર છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.

પાણીની સુવિધા વગરનું  શૌચાલય, પ્લેટફોર્મ ઉપર પણ અંધારું : ડીસાના રેલવે સ્ટેશન ખાતે રેલવેમાં પ્રવાસ કરતા મુસાફરો માટે પૂરતી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેમાં અહીં આવેલા શૌચાલયમાં પાણીની કોઈ સુવિધા નથી, જેથી મુસાફરો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. જ્યારે પ્લેટફોર્મ પર પુરતી લાઇટો પણ ન હોવાથી ટ્રેન આવતા જ ડબ્બામાં ચડવા માટે મુસાફરોને મોબાઇલની લાઇટોનો સહારો લેવો પડે છે. જેથી પાણીની વ્યવસ્થા અને અંધારું દૂર કરવા માટે લાઈટોની સુવિધા ઉભી કરવાની તાતી જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.