બનાસકાંઠા પંચાયતનાં પાપે સરકારને કરોડોનું નુકશાન : નવ કર્મચારીઓને 84 મહિના સુધી પગાર ચૂકવાયો અને પછી ફરજમુક્ત કરી દીધા
જો બીઆરએસની ડિગ્રી હતી જ નહિ તો વેરિફિકેશન વખતે નોકરી કોના આશીર્વાદથી આપી? : આ તો હદ છે ! નવ કર્મચારીઓને 84 મહિના સુધી પગાર ચૂકવાયો અને પછી ફરજમુક્ત કરી દીધા કોર્ટ કેસનો ચુકાદો આવતા છુટા કરાયા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીનું નિવેદન : સાહેબ જવાબ તો આપો – બીઆરએસને બદલે બીએસસીની ડિગ્રી પર કઈ રીતે નોકરી આપી?
7 વર્ષ બાદ હાઇકોર્ટના આદેશ મુજબ ફરજ મુક્ત કરાયા: બનાસકાંઠા જિલ્લા પંચાયત અને વિવાદ બંને એકબીજાનાં પર્યાય છે. જિલ્લા ભરતી પ્રક્રિયા હોય કે વિકાસ કાર્યો થતાં ભ્રસ્ટાચારના આરોપો બન્ને એકમેકના પૂરક છે. ત્યારે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશને પગલે ફરજ મુક્ત કરાતા ફરજ મુક્તિ પાછળનું કારણ ફરી એક વાર પંચાયતને વિવાદના વમળમાં ઢસડી રહ્યું છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં 2016- 17 માં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા ગ્રામ સેવકની ભરતી બહાર પાડી નિયમાનુસાર પરીક્ષા લેવાઈ હતી. ભરતીના નિયમોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો કે ઉમેદવારે બીઆરએસ એટલે કે બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તેમ છતાં પસંદગી પામેલ કુલ 107 વ્યક્તિઓમાંથી 9 પાસે બીઆરએસની ડિગ્રી હતી જ નહિ. તેમ છતાં તેઓને બીએસસીની ડિગ્રી પર જ નિમણુંક આપી દેવાઈ હતી. વર્ષ 2017 માં યોગ્ય લાયકાત નહિ ધરાવતા હોવા છતાં નવ વ્યક્તિઓને ખેતીવાડી વિભાગમાં ગ્રામ સેવક તરીકે નિમણૂક આપી દેવાઈ. જેના લીધે તે જ સમયે અન્ય ઉમેદવારોએ કોર્ટનાં દ્વાર ખખડાવતા સાત વર્ષ બાદ હાઇકોર્ટે આ તમામ નવ ગ્રામ સેવકોને ફરજમુક્ત કરવાના આદેશો આપ્યા. પરિણામે 29 જૂને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓને ફરજમુક્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગ્રામ સેવકોની ભરતીમાં બીએસસી એગ્રીકલ્ચરની ભરતી થતા અન્ય બીઆરએસ ડીગ્રી ધરાવતા ઉમેદવારો સહિતના ઉમેદવારો કોર્ટમાં ગયા હતા. જોકે, કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટના આદેશને પગલે જિલ્લા પંચાયત દ્વારા 9 ગ્રામસેવકો ફરજમાંથી છુટા કરાયા હોવાનું ડીડીઓ એમ.જે.દવેએ જણાવ્યું હતું.
સાત વર્ષ સુધી લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યાં તેમાં દોષિત કોણ?: સાત વર્ષ પહેલાં જિલ્લા પંચાયતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નિયમ મુજબ બીઆરએસની પદવી નહિ ધરાવનારાઓને પણ ગ્રામ સેવક તરીકેની નોકરી આપી દીધી, જેને લીધે સાચા હક્દાર નવ ઉમેદવારોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો, એક તરફ નિર્દોષ મહેનતુ ઉમેદવારોના અધિકાર છીનવાયા તો બીજી તરફ આવા લાગવગીયા નવ વ્યક્તિઓ સાત વર્ષોથી સરકારનો કરોડો રૂપિયાનો પગાર ખાતા રહ્યાં, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ નવ વ્યક્તિઓ ઉપર કોના છુપા આશિષ હતાં કે યોગ્ય લાયકાત નહિ ધરાવતા હોવા છતાં સાત સાત વર્ષ સુધી તેઓ નોકરી કરતાં રહ્યાં અને તંત્ર ચુપચાપ બધું જોતું જ રહ્યું ??
ખોટા વ્યક્તિઓ પાછળ સરકારના દોઢ કરોડ વેડફાયા, જવાબદાર અધિકારીઓ પાસેથી વસુલવાની ઉગ્ર માંગ: ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં યોગ્ય ખરાઈ નહિ કરનાર કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત પસંદગી મંડળનાં ચેરમેન સહિતના એ તમામ જવાબદારી અધિકારી- કર્મચારીઓ કે જેમના પાપે આજે નવ વ્યક્તિઓ સાત વર્ષ સુધી સરકારનો પગાર ખાતા રહ્યાં અને સરકારની તિજોરીને સાત વર્ષમાં ચૂકવાયેલ પગારની રકમ થકી કુલ દોઢ કરોડનો ચૂનો લાગી રહ્યો, ત્યારે સમગ્ર મામલે વર્ષોથી ન્યાયની લડત ચલાવનાર ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સરકારની તિજોરીમાંથી ગયેલા આ નાણાં જે તે જવાબદાર અધિકારીઓ પાસેથી જ વસુલ કરવા જોઈએ.
લ્યો બોલો ! માત્ર નોકરી જ નહિ પ્રમોશન અને મલાઈદાર પોસ્ટ પણ મેળવી: જે નવ વ્યક્તિઓને નિયત લાયકાત વિના જ નોકરી અપાઈ હતી. તે તમામે હવે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આખરે તંત્રે કઈ રીતે નીયત લાયકાત ચકાસ્યા વિના જ આ નવને સાત સાત વર્ષ સુધી નોકરી પર ચાલુ રાખ્યા ? એટલું જ નહીં, તેઓને મલાઈદાર પોસ્ટિંગ સાથેનું પ્રમોશન પણ આપ્યું. તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળવા પામી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, મસમોટી વાતો કરતું બનાસનું વહીવટી તંત્ર ક્યારે સાચા હક્દારને તેનો હક્ક અપાવનાર બનશે.