વહેલી સવારના ધૂવાધાર વરસાદમાં રણ બન્યું રળિયામણું, સરહદી વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન
- વરસાદની રાહ જોઈ બેઠેલા સરહદના ખેડૂતો હરખાયા
- અને સવપુરાના લોકો પાણી એકઠું થતાં ભયમાં મુકાયા
- વહેલી સવારના ધૂવાધાર વરસાદમાં રણ રળિયામણું બન્યું
આ વખતના ચોમાસા દરમિયાન જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ સહિતના તાલુકાઓમાં અગાઉ ખેતી લાયક વરસાદ થઈ ચૂક્યો હતો. પરંતુ જિલ્લાના લાખણી, થરાદ, વાવ અને સૂઈગામ તાલુકામાં ખેડુતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા. આજે વહેલી સવારથી તેમની વરસાદની રાહ જોવાની ચિંતાનો અંત આવ્યો હતો. સરહદી વિસ્તારમાં મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે ખેતી લાયક વરસાદ થતાં ખેડુતો હવે પોતાના ખેતરોમાં વરસાદી વાતાવરણ હળવું થતાં વાવણી કરી શકશે.
વહેલી સવારે આવેલી મેઘરાજાની સવારીએ ખેડૂતોમાં ખુશી આપી છે તો સાથે સાથે પહેલા જ વરસાદમાં વાવના સવપુરા ગામના લોકોની મુશ્કેલી વધારી દીધી છે લોકોની મુશ્કેલી એટલાં માટે વધી કે સવપુરાથી તીર્થગામ જતાં રસ્તા પર સામાન્ય વરસાદમા પાણી એકઠું થયું છે. અહીં ભારત માલા રોડના સાઈફન (ઘરનાળા) માં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું હોવાથી ગામના વિધાર્થીઓ અને સ્થાનિક લોકો માટે સમસ્યા ઉભી થઈ છે. અહીં એકઠા થયેલા વરસાદી પાણીના નિકાલ માટે જો કોઈ નિકાલની વ્યવસ્થા નહીં કરાય તો સૌથી વધુ ભય કે જોખમ શાળાએ જતા વિધાર્થીઓ માટે એમના વાલીઓને રહેશે એનું કારણ એ છે કે વિધાર્થીઓ પોતાના યુનિફોર્મ પાણીથી બચાવવા જો ઉપરથી નીકળતા ભારત માલા હાઇવેને ક્રોસ કરે તો પૂરપાટ ઝડપે દોડતી ગાડીઓથી અકસ્માતનું જોખમ રહે તેમ છે. જેથી આ પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગે તે અત્યંત જરૂરી છે.
દેશની સીમા નડાબેટ જાણે દરિયો બન્યું
વહેલી સવારની મેઘ સવારીએ જાણે ભારતની બોર્ડર પર કુદરતી કળા ખીલવી હોય એમ રણ રળિયામણું બનાવ્યું. દેશની સીમા નડાબેટ જાણે દરિયો બન્યું હોય વરસાદી માહોલ વચ્ચે પવનના સુસવાટા સાથે પાણી હિલોળે ચડવા લાગ્યું ને જોતજોતામાં નયનરમ્ય દ્રશ્યો સર્જાવા લાગ્યા.