વેડંચા ગામમાં બાળકો અને વાલીઓ માટે ચેતવણી રૂપ બનાવ મંદિરના દરવાજાનો ભાલો ઘુસી જતા 11 વર્ષીય કિશોરનું મોત
પરિવારના એકના એક દીકરા ના મોતથી પરિવાર શોકમગ્ન: પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં બાળકો અને વાલીઓ માટે ચેતવણી રૂપ બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરમાં ક્રિકેટ રમતો 11 વર્ષીય કિશોર દડો લેવા બહાર જતા મંદિરના દરવાજા પર ચડ્યો હતો. જ્યાં તેનો પગ લપસી જતા તેની ગુદા પાસે ભાલો ઘુસી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારમાં એકના એક દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પાલનપુરના વેડંચા ગામમાં બાળકો રામાપીરના મંદિરમાં ક્રિકેટ રમતા હતા. જેમાં 11 વર્ષીય મનન દિનેશભાઇ ભાટિયા ઉર્ફે ગટ્ટુ નામનો કિશોર પણ રામાપીરના મંદિરમાં ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ બહાર જતા તે બોલ લેવા ગયો હતો. ત્યારે મંદિરના દરવાજા પરથી નીચે ઉતરી વખતે પગ લપસી જતા દરવાજા પર રહેલો લોખંડનો અણીદાર ભાલો તેની ગુદા પાસેના ભાગમાં ઘુસી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. જેને અર્ધ બેભાન અવસ્થા માં સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આમ, બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ અને ભાટિયા પરિવારનો કુળદીપક બુઝાઈ જઈ મોતને ભેટતા પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મેમદપુરની દુર્ઘટનાનું પુનરાવર્તન: અગાઉ 2014માં વડગામ તાલુકા ના મેમદપુરમાં પણ આવી જ દર્દનાક ઘટના ઘટી હતી. જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળક દીવાલ કૂદવા જતા લોખંડ નો અણીદાર ભાલો(સળિયો) ગળામાં ઘુસી મોઢામાં બહાર નીકળ્યો હતો. જોકે, 108ની ટીમે ભાલો નીચેના ભાગેથી કાપી ગળામાં ઘુસેલ ભાલા સાથે પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં સમયસર સારવાર મળતા સફળ ઓપરેશન થકી તે બાળકને નવજીવન મળ્યું હોવાનું 108ના પાઇલોટ સાદીક ભાઈ શેખએ જણાવ્યુ હતુ. જ્યારે 10 વર્ષ બાદ વેડંચામાં બનેલી ઘટનાએ મેમદપુરની યાદ તાજી કરાવી છે. જોકે, વેડંચામાં બનેલી દુર્ઘટનામાં કિશોરનું મોત નીપજ્યું છે. જોકે, આવી ઘટનાઓ બાળકો અને વાલીઓ માટે ચેતવણીરૂપ છે.
વધુ પડતું લોહી વહી જતા મોત:-તબીબ, વેડંચામાં બનેલી દુર્ઘટનાનો શિકાર બનેલા મનન ભાટિયા નામના 11 વર્ષીય કિશોરને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે ખાનગી હોસ્પિટલના તબીબ ડો.કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, કિશોરને અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જોકે, તેને વધુ પડતું લોહી વહી જવાથી અડધો કલાકની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.