પાલનપુરમાં કોલેરાનો પ્રકોપ : વધુ નવા 9 કેસ સાથે કુલ 228 કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ, સી.ઓ.માત્ર વાતોના વડા કરી ફાંકા ફોજદારી કરતા હોવાની રાવ : પાલનપુરમાં કોલેરાએ માથું ઊંચકતા હાહાકાર મચાવ્યો છે. છેલ્લા છ દિવસમાં જ પાલનપુરમાં કૉલેરાના 228 થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે એક નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ચુકી છે. ત્યારે પાણી પહેલા પાળ બંધવાને બદલે પાલિકા તંત્ર હવે આગ લાગ્યા બાદ કૂવો ખોદવા બેઠું છે. પાલિકાના પાપે રોગચાળો ફેલાયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવતા ક્લોરિનની ટેબલેટ અને ઓઆરએસ પેકેટના વિતરણ સહિતના વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પાલનપુરમાં કોલેરાના કેસ વધવા પાછળ પણ ભ્રષ્ટ પાલિકા તંત્રની બેદરકારી હોવાનું પ્રાથમિક વિગતો માં સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ વિસ્તારમાં થી પસાર થતી પીવાના પાણીની પાઇપમાં 10 જેટલા લીકેજ થયા હતા. જે પાલિકા દ્વારા રીપેર કરવામાં બેદરકારી દાખવામાં આવતા ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપમાં ભળી ગયું હતું. જેના કારણે કોલેરાના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થવા લાગ્યો હતો. આ પાણી પીવાથી અનેક લોકો ઝાડા ઉલટીમાં સપડાયા હતા.

ચાર જૂનથી કોલેરાના કેસમાં વધારો થવાનો શરૂ થયું હતું. અને અત્યાર સુધીમાં 228 થી વધુ લોકો અસરગ્રસ્ત છે. જ્યારે એક અસરગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે. પાલનપુર કોટ વિસ્તારમાં એક જ દિવસમાં 19 નવા કેસ નોંધાયા હતા. કેસમાં થયેલા વધારાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી ને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની તપાસ કરાઈ હતી. જેમાં અસર ગ્રસ્તના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ આ વિસ્તારોમાં ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત પાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. પરંતુ પાઇપ માં ભંગાણના મામલે પાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પાલનપુરમાં કોલેરાના કેસ સતત વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રહી રહીને પાલિકાનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે.

આરોગ્ય તંત્ર ખડેપગે: જોકે, જિલ્લાનું આરોગ્ય તંત્ર કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં ખડેપગે ફરજ બજાવી ઘરે ઘરે સર્વે ની કામગીરી કરી રહ્યું છે.પાલનપુર પાલિકાની બેદરકારી ના લીધે પીવાના પાણી ની પાઈપમાં ગટરનું પાણી ભળી જતા કોલેરા ના કેસમાં ચિંતાજનક રીતે  વધી રહ્યા છે. એવામાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટિમો દ્વારા  કોલેરા કેસ ને અંકુશ લેવામાં મહેનત કરી રહ્યું છે. દરમિયાન, એપેડિક ઓફિસર ડો. ભારમલભાઈ પટેલે લોકોને પાણી ઉકાળીને પીવાની અને હાથ ધોવાની અપીલ કરી હતી.

કરોડોનું આંધણ છતાં ગંદકીનું સમ્રાજ્ય: જોકે, મહીને દહાડે સફાઈ પાછળ કરોડોનું આંધણ કરનારી પાલનપુર નગરપાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો સરેઆમ નિષ્ફળ રહી છે. પણ રોજબરોજ ની ગટરોની સફાઈ કરવામાં ઉણી ઉતરી છે. પાલિકાનું સેનિટેશન અને પાણી પુરવઠા વિભાગ સાવ નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. તો વળી વાતો ના વડા કરી ફાંકા ફોજદારી કરતા પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ પણ હવે એસી ચેમ્બર માંથી બહાર નીકળી ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવાના પ્રયાસરૂપે શોર સપાટા કરતા જોવા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.