સોનલબેન અને પિન્ટુભાઇના પરીવારમાં ગુંજી કીલકારીઓ
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્ર દ્રારા યુધ્ધના ધોરણે કોરોનાને નાથવાના પ્રયાસો સાથે જનજાગૃતિના કામો થઇ રહ્યા છે. આ સમયે આરોગ્યતંત્ર અને હિંમતનગરની જી.એમ. ઇ. આર.એસ મેડિકલ કોલેજનો સ્ટાફ દિવસ રાત દર્દીઓની સેવા કરી કોરોનાને હરાવી રહ્યા છે. આ કોરોના વોરીયર્સની ટીમની મહેનત રંગ લાવી રહી છે. આ ટીમે પટેલ પરીવારમાં નવી ખુશીઓ આણી છે. સોનલબેન પિન્ટુભાઇ પટેલ કે જે ઇડર તાલુકાના ઓડા ગામના વતની છે તેઓ પૂરા મહિનાની ગર્ભાવસ્થા સાથે ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તા. ૧૫ ઓકટોબર ૨૦૨૦ ના રોજ કોરોનાનો રિપોર્ટ કરાવતા પોજીટીવ આવ્યો હતો. જેથી તેમને જી. એમ. ઇ. આર. એસ મીડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લેબર પેઇનનો શરૂઆતનો તબક્કો હોવાથી તપાસની સમીક્ષા કર્યા બાદ ઇમર્જન્સી એલ.એસ.સી.એસ (ઓપરેશન)નો ર્નિણય લેવાયો હતો. ગાયનેક વિભાગના ડો. મયુર ગાંધી સી.ડી.એમ.ઓ., ડો. ધવલ પટેલ અને ડો. યામિની પટેલ અને સ્ટાફ બ્રધર ધંનજીભાઈ ભોઇ દ્વારા ઓપરેશન કરી ૩.૧ કિલોના સ્વસ્થ બાળકનો જન્મ થયો હતો. એનેસ્થેટીસ્ટ વિભાગના ડો. રેખા બાયર અને ડો. હાર્દિકભાઈ ઉપસ્થિત હતા. બાળરોગ વિભાગના ડો. ભૂમિકા પટેલએ તરત જ બાળકની તપાસ કરી જરૂરી સારવાર આપી હતી. હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે. બાળકનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા બધા ખુશ થયા હતા. પિતા પિન્ટુભાઇએ સમગ્ર મેડિકલ કોલેજ સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. તેમજ લોકોને અપીલ કરી હતી કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. ડોકટરો અને મેડીકલ વિભાગ પોતાના જીવના જોખમે આપણી સારવાર કરે છે. સરકાર દ્રારા અપાતી કોરોનાની સારવાર ખુબ જ ઉત્તમ હોવાનુ જણાવ્યું હતું.