બનાસકાંઠામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ : આકાશમાં વાદળા ગોરંભાતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરમી ઘટી છતાં અસહ્ય ઉકળાટ અને બફારાથી આમ પ્રજા ત્રસ્ત: બનાસકાંઠા જિલ્લામાં  હિટવેવથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે પરંતુ છેલ્લા બે દિવસથી ફરી એક વાર હવામાનમાં આવેલ આકસ્મિક પલટાના કારણે વહેલી સવારથી આકાશમાં વાદળાં ગોરંભાવા સાથે પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ તાપમાન ઘટવા છતાં બફારા અને ઉકળાટથી આમ પ્રજા પરસેવે રેબઝેબ થઈ ઉઠી છે.તેમાં પણ બપોરના સુમારે તો ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળે છે.

રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ઉનાળો આકરો નિવડતા સૂરજ દાદા સવારથી આગ ઓકવા લાગતા છેલ્લા વીસેક દિવસથી જિલ્લાવાસીઓ અસલ ઉનાળાની આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા. આકાશમાંથી અગન ગોળા વરસતા કામ વિના લોકો બહાર નીકળવાનું ટાળતા બપોરના સુમારે તો બજારો સાથે રસ્તા પણ સુમસામ ભાસતા હતા.

કાળઝાળ ગરમીથી બચવા લોકો અવનવા નુસખા અપનાવે છે પણ એકેય ઉપાય કારગત નીવડતો નથી.જો કે બે દિવસથી અચાનક હવામાન પલટાતા ગરમીમાં આંશિક ઘટાડો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે પણ બફારો અને ઉકળાટ અસહ્ય થઈ પડતા સિઝનની ગરમીનો પ્રકોપ અકબંધ જળવાઈ રહ્યો છે. જો કે હવે વહેલી સવારથી આકાશમાં વાદળા ગોરંભાતા અને ઉત્તર- પશ્ચિમી પવન ફૂંકાતા જિલ્લામાં પ્રી-મોનસુન એકટીવિટી શરૂ  થઈ છે. તેથી વહેલા વરસાદની શકયતા નકારી શકાતી નથી.વડીલોના જણાવ્યા મુજબ આ વખતે ગરમીનો પ્રકોપ વધુ રહેતાં વરસાદ પણ વધુ પડવાની શક્યતા છે.

વહેલા વરસાદની શકયતા: બનાસકાંઠા સહિત રાજ્યમાં 15 મી જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય છે પણ આ વખતે હવામાન વિભાગે બે દિવસમાં આંધી અને વંટોળની આગાહી કરી છે. બીજી બાજુ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલ ચક્રવાત રમેલના કારણે આ વખતે વરસાદ વહેલા થવાની શકયતા છે.

થ્રેસરોના ભાવ ઊંચકાયા: વહેલા વરસાદની શકયતાના કારણે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ખેડૂત પરિવારો બાજરીનો પાક લેવામાં પરોવાયાં છે પરંતુ મજૂરોની તીવ્ર અછત અને ગરમીના કારણે ખેડૂતો મૂંઝાઈ ઉઠ્યા છે. બીજી બાજુ, બાજરી લેવા થ્રેસરોની પણ માંગ રાતોરાત વધી ગઈ છે.તેથી થ્રેસરોના ભાવ પણ ઊંચકાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.