ડીસા તાલુકાના ખેરોલા, પેછડાલ ગામે બે દિવસથી લાઈટ ન આવતા કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પરેશાન
લાઈટ ન આવતા ગ્રામજનો પરેશાન: ડીસાના પેછડાલ ફીડરમાં બે દિવસથી લાઈટ બંધ
વીજ પુરવઠો આપવાની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું: ડીસા તાલુકાના ખેરોલા, પેછડાલ ગામે બે દિવસથી લાઈટ ન આવતા કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે. લાઈટના આવવાના કારણે પીવાનું પાણી પણ ન મળતા પશુઓની જીવાડવા તેમજ ખેતી બચાવવી મુશ્કેલ થઈ ગઈ છે. ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માગ સાથે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.ડીસા તાલુકાના ખેરોલા ગામે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઝેરડા ઓફિસના અંડરમાં આવતા પેછડાલ ફીડરમાંથી વીજ પુરવઠો આવે છે.
જોકે અહીંથી રેલવે લાઈન પસાર થતી હોય રેલવે લાઈન નીચે નાખેલો કેબલ ફાયર થઈ જતાં ખેરોલા અને પેછડાલ ગામના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વીજળી આવી નથી. આ વિસ્તારમાં 300થી વધુ ખેડૂતોના બોર આવેલા છે અને અને રહેઠાણના વીજ જોડાણ આવેલા છે.જોકે બે દિવસથી લાઈટના આવવાના કારણે સૌથી મોટી અસર પાણીની ઊભી થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય અને વીજ પુરવઠો ન આવતા પાણી ન આવવા ના કારણે લોકોને તેમજ 3000થી વધુ પશુઓને પીવાના પાણીની તંગી ઊભી થઈ છે. આ ઉપરાંત ખેડૂતોનો પાક પણ બળી જવા લાગ્યો છે. ખેડૂતોએ વીજ કંપનીમાં રજૂઆત કરી હોવા છતાં વીજકંપની દ્વારા હજુ સુધી વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળી પુરવઠો ચાલુ થાય તેવી માગ કરી છે.