અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે પાકમાં નુકસાન
વૈશાખમાં અષાઢી માહોલથી અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા શામળાજી અને માલપુર તાલુકામાં વવાઝોડા અને વરસાદને લઈ બાજરી, મગ અને બાગાયતી પાકમાં નુકશાન થતાં ખેડૂતોને મહેનતના માથે પાણી ફરી વળ્યા છે.અરવલ્લી જિલ્લા માં ગઇકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. જેના કારણે જિલ્લાના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો, યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ ભિલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં વવાઝોડા અને કરા સાથે વરસાદ થયો હતો. એજ રીતે માલપુર તાલુકાના અણિયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે વીજળીના તાર તૂટ્યા હતા અને ખાસ ખેતરોમાં તૈયાર થયેલી બાજરીના ઉભા પાકમાં નુકસાની જોવા મળી હતા. ખેતરોમાં ઉભો પાક પડી ગયો છે.
ખેડૂતોને બાજરીના પાકમાં જે ઉપજ મળે એમાં બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગના જે અયોજનો હતા તે પણ નિષ્ફળ ગયા છે. અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજીની જે બાગાયતી ખેતી કરી હતી. તેના માંડવા પણ વાવાઝોડાને કારણે પડી ગયા હતા જેથી શાકભાજીના પાકમાં નુકસાન થયું છે. પશુઓ માટે હુંડિયું (ઘાસચારા)નું જે વાવેતર કર્યું હતું તે પણ ભારે પવનના કારણે પડી ગયું હતું. વીજળી પાડવાથી એક ખેડૂતનું મોત અને બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આમ એકાએક વવાઝોડું ત્રાટકવાથી ખેતીવાડીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.