જાણ બહાર : બેંકમાં ખોટા કાગળીયામાં સહી કરી રૂ. 3 લાખ ઉપાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના દીપડા ગામની સેવા સહકારીના મંડળીના મંત્રી અને ચેરમેને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જવાબદાર અધિકારીઓ સાથે મેળાવીપણું કરીને ગામની એક મહિલાના નામે ખોટી લોન અને સબસીડીની સહાય લીધા બાદ તેણીની જાણ બહાર તેણીના નામે ખાતામાં જમા કરાવી બારોબાર ઉપાડી લીધાની ફરિયાદ બાદ વધુ એક યુવકના નામે પણ આવી જ રીતે પરાક્રમ કરાયાનું બહાર આવતાં ગુનો નોંધાયો છે. જેમાં યુવકના નામે બેંકમાં ખોટા કાગળીયામાં સહી કરી રૂ. 3 લાખ ઉપાડી લીધા હતા.

દીપડા ગામના સેંધાભાઈ ભુરાજી સુથારે ધી દીપડા સેવા સહકારી મંડળીના મંત્રી રમેશભાઈ વજાજી પટેલ અને ચેરમેન ઈશ્વરભાઈ ભીખાજી પટેલ તથા બીડીસીસી બેંકની પીલુડા શાખાના તમામ જવાબદાર અધિકારીઓ અને તપાસમાં જે નિકળી આવે તે તમામની સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં તમામ શખ્સોએ મળીને સેંધાભાઈના નામે દસ્તાવેજો બનાવી તેમના નામે બીડીસીસી બેંકનું ખાતું ખોલાવી ફક્ત ખેડૂત ખાતેદારોને જ મળતી કેસીસી બીગ ફાર્મર ઓફ બીએલ પ્રોડક્ટની લોન બે વખત મંજુર કરાવી એક વખત ત્રણ લાખની રકમ તેમના ફ્રોડ ખાતામાં નંખાવી ઉપાડી લીધા બાદ બીજી વખત વ્યાજ સાથે 3,15,363 ભરીને રિન્યુ પણ કરાવી અને બીજી વખત પણ ઉપાડી લીધી હતી.

જો કે આ અંગેની નોટીસ મળતાં સેંધાભાઈને સમગ્ર હકીકતની જાણ થવા પામી હતી, આથી આ અંગે મંડળીના મંત્રી ચેરમેનને કહેવા જતાં તેમણે હાલ આ રકમ તું ભરી દે અમે તને પછી આપી દઈશુંની સુફીયાણી સલાહ પણ આપી હતી. થરાદ પોલીસે બેંકના જવાબદારો અને મંત્રી તથા ચેરમેન સામે વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને સહકારી માળખામાં ખળભળાટ પ્રસરવા પામ્યો હતો. આ શખસોએ અગાઉ પણ ગામની મહિલા ધુડીબેન નાગજીભાઈ પટેલના નામે આવી જ રીતે લોન લીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.