જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં 64.48 ટકા મતદાન: સૌથી વધુ મતદાન થરાદમાં જયારે સૌથી ઓછું પાલનપુરમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

12 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરતા મતદારો: સરહદી બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વહેલી સવારે શરૂ થયેલુ મતદાન બપોર બાદ ધીમી ગતિએ ચાલ્યું હતુ. બપોર બાદ મતદાનએ ગતિ પકડતા સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લાનું આશરે 64.48℅ મતદાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા સંસદીય મત વિસ્તાર ના 1960 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વહેલી સવારે શરૂ થયેલું મતદાન બપોરે સાવ નીરસ જણાતું હતું. જોકે, બપોર બાદ સાંજે મતદાન એ ગતિ પકડતા જિલ્લાનું મતદાન 5 વાગ્યા સુધીમાં  64.48℅ એ પહોંચ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન થરાદનું 70.04℅ જયારે સૌથી ઓછું મતદાન પાલનપુરનું 59.05℅ નોંધાયું હોવાના અહેવાલ મળ્યા છે. આમ, લોકસભામાં જવા થનગનતા 12 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે.

જિલ્લામાં સવારના સમયે મહત્તમ વૃધ્ધ અને વિકલાંગ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે મોટાભાગના મતદાન મથકો સુમસામ બન્યા હતા. જ્યારે બાકી રહેલા મતદારો એ સાંજના સુમારે મતદાન કર્યુ હતુ. જ્યાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 64.48 ટકા મતદાન નોંધાયું હતુ. જોકે, જિલ્લામાં એક બે બનાવોને બાદ કરતાં કોઈ અનિચ્છિનીય ઘટના ન ઘટતાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

જોકે, શહેરી વિસ્તારમાં મોટાભાગે ભાજપ તરફી ઝોક જોવા મળ્યો હતો. પરંતુ ગ્રામીણ વિસ્તારના મતદારોએ મન કળવા દીધું નથી. ત્યારે બન્ને ઉમેદવારો નિશ્ચિત વિજયનો દાવો કરવાની સ્થિતિમાં ન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગઢ ગામની દિવ્યાંગ વૃદ્ધાએ કર્યું મતદાન: પાલનપુર તાલુકાના ગઢ ગામની 70 વર્ષીય દિવ્યાંગ મહિલાએ મતદાન કર્યું હતું. મતદાર હંસાબેન જોશીને ગામના સેવાભાવી યુવાનો એ ખાટલામાં બેસાડીને મતદાન મથક સુધી લાવ્યા હતા. દિવ્યાંગ દાદીમાં ને મતદાન કરાવી યુવાનો એ મતદાનનો અનોખો સંદેશ આપ્યો હતો. લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બની દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની દિવ્યાંગ દાદીમા એ અપીલ કરી હતી.

પાલનપુરમાં પોલીસ કર્મીની માનવતા મહેંકી: જિલ્લા મથક પાલનપુરમાં ફરી એકવાર પોલીસની માનવતા મહેંકી ઉઠી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પાલનપુરમાં મતદાન માટે આવેલા વૃદ્ધને પોલીસકર્મી તેડીને મતદાન મથકે લઈ ગયા હતા. પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઇ એસ.એમ પટણી અને કોન્સ્ટેબલ કૌશિક ચૌધરીની માનવતા મહેકી ઉઠી હતી. પાલનપુરના સલેમપુરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વૃદ્ધ મતદાર મળ્યો હતો. જેને પોલીસકર્મી તેડીને મતદાન મથકે લઈ ગઈ હતી.

ક્યાં કેટલું મતદાન???

વાવ :- 65.05

થરાદ :- 70.04

ધાનેરા :- 61.56

દાંતા :- 67.98

પાલનપુર :- 59.05

ડીસા :- 60.39

દિયોદર :- 67.23

કુલ મતદાન :-

સમય:- 7:00 થી 5:00 વાગ્યા સુધી:- 64.48 %


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.