લાખણીમાં 3 તારીખે જાહેરસભાને સંબોધશે : પ્રિયંકા ગાંધીની સભાને લઈ લાખણીમાં તડામાર તૈયારીઓ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પ્રચારની કમાન સંભાળી છે. પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરશે. વલસાડ બાદ હવે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક માટે 3 તારીખે લાખણીમાં જાહેરસભાને સંબોધશે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીની સભાને લઈ લાખણીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

6 દિવસમાં બીજી વાર ગુજરાત આવશે: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 7મેંના રોજ મતદાન યોજાવાનું છે. 5 તારીખે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા જ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 27 તારીખે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ હવે 3 તારીખે બનાસકાંઠાના લાખણીમાં જાહેરસભાનું આયોજન કરાયું છે. અહીં બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની 13 વિધાનસભા બેઠકોને આવરી લેવાશે.

ગુજરાતમાં ભાઈ સાથે બહેને પણ પ્રચારની કમાન સંભાળી: ગુજરાતમાં છેલ્લી બે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનું પ્રદર્શન એકદમ કંગાળ રહ્યું છે, કોંગ્રેસ અહીં ખાતુ પણ નથી ખોલાવી શકી. 2024ની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાઈ રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. 27મી તારીખે પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જાહેરસભાને સંબોધી હતી. તો 29 તારીખે રાહુલ ગાંધીએ પાટણમાં સભા કરી હતી. હવે 3 તારીખે પ્રિયંકા ગાંધી ફરી એકવાર બનાસકાંઠાના લાખણીમાં જાહેરસભાને સંબોધન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.