મતદાન જાગૃતિ માટે હાથ ધરાયેલ ફ્લેશ મોબ કાર્યક્રમે મતદારોમાં આકર્ષણ જમાવ્યું
મનોરંજન સાથે મતદાન જાગૃતિનો સંદેશ:ડીસામાં કઠપૂતળી શો યોજાયો
લાખણી, ડીસા, ધાનેરા, દિયોદર અને દાંતા સહિતના તાલુકાઓમાં જાહેર સ્થળો પર ફ્લેશ મોબ કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ
લોકશાહીના મહાપર્વમાં બનાસકાંઠા જિલ્લાના નાગરિકો પોતાની ભાગીદારી નોધાવી શકે તેમજ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે એ હેતુસર સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને સ્વીપ ટીમ દ્વારા જાહેર સ્થળોએ ફ્લેશ મોબ કાર્યક્રમ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે લાખણી, ડીસા , ધાનેરા , દિયોદર અને દાંતા તાલુકાઓમાં જાહેર સ્થળો પર ફ્લેશ મોબ કાર્યક્રમ કરી વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે અપીલ કરાઈ હતી. ડીસામાં ફ્લેશ મોબ કાર્યક્રમ અંતર્ગત કઠપૂતળી શો કરી લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા. દિયોદર તાલુકાના ચીભડામાં ગરબા દ્વારા મતદાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
જ્યારે ધાનેરામાં બસ સ્ટેશન ખાતે, દાંતા તાલકા સ્વીપ ટીમ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજી વધુને વધુ લોકો મતદાન કરે તેવો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. શાળાના બાળકો અને સ્ટાફ ગણના સહયોગથી તાલુકા સ્વીપ ટીમ દ્વારા જિલ્લાભરમાં ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. એકત્રિત લોકો મનોરંજન સાથે અવશ્ય મતદાન કરીશું નો સંકલ્પ લઇ રહ્યા છે.