![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ડીસાના-કાંટ-રોડ-પર-hed.jpg)
ડીસાના કાંટ રોડ પર પાણીની પાઇપ લાઇનમાંથી બીજા દિવસે પણ પાણીની રેલમછેલ
સિંચાઈ વિભાગ કે પાણી પુરવઠા વિભાગની અક્ષમ્ય બેદરકારી
પાઈપલાઈન રીપેરીંગની તસ્દી ન લેવાતા અમૂલ્ય પાણીનો વેડફાટ
ડીસાના કાંટ રોડ પરથી પસાર થતી પાણીની પાઇપલાઇન લીકેજ થતા બીજા દિવસે પણ હજારો લિટર પાણીની રોડ પર રેલમછેલ થઈ રહી છે.આ પાઇપ લાઇન સિંચાઈ વિભાગની અથવા તો પાણી પુરવઠા વિભાગની છે પરંતુ બંને વિભાગમાંથી હજુ સુધી કોઈ વિભાગે રીપેર કરવાની દરકાર લીધી નથી.તેથી જાહેરમાં અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
ડીસાથી દાંતીવાડા જવાના રસ્તા પર કાંટ નજીક પાણીની પાઇપ લાઇનમાં મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહ્યું છે. પાઇપલાઇનમાં મુકેલા હવાસિયા (એર વેન્ટલ પોલ) માંથી હજારો લિટર પાણી ફુવારાની માફક વહી રહ્યું છે. આ પાઇપ લાઇન દાંતીવાડા સિંચાઈ વિભાગ અથવા તો પાણી પુરવઠા વિભાગની હોઈ શકે છે. જોકે બે દિવસથી લીકેજ હોવા છતાં તેમજ હજારો લિટર પાણીમી રોડ પર રેલમછેલ થઈ રહી હોવા છતાં બંને વિભાગમાંથી કોઈ પણ વિભાગે હજુ સુધી આ લીકેજ રીપેરીંગ કરવાની દરકાર લીધી નથી. જેથી જે તે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.જ્યારે ઉનાળાની ગરમીમાં જાહેરમાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.