સરસ્વતીના રવિયાણા ગામે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી-2024નાં ઉપલક્ષ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. પાટણ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા જાહેર જનતાને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિઓ ઉપરાંત ‘ટર્ન આઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન’ અંતર્ગત આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. જેના ભાગરૂપે સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ટીપ નોડલ ઓફિસર બી.એમ પ્રજાપતિની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રવિયાણા ગામે આયોજીત કાર્યક્રમમાં ગામના લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. તેમજ મતદાનના દિવસે દરેક કામ બાજુ પર મૂકીને સૌપ્રથમ મતદાન કરવા માટે દસ મિનિટ ફાળવવા જણાવ્યું હતું. ગામના લોકોએ આગામી તારીખ 7 મેના રોજ અવશ્ય મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
મતદાન જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ટીપ નોડલ બી.એમ. પ્રજાપતિએ આગામી તા. 7 મેના રોજ અચૂક મતદાન કરવા માટે જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામનો કોઈપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખવું. મતદાનના દિવસે પોતાની સાથે યોગ્ય પુરાવાઓ લઈને યોગ્ય સમયે મતદાન કરવું અને કરાવવું.રવિયાણા ગામે મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. મકવાણા, સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામનાં અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.