ડીસાની બજારોમાં લગ્નોની ખરીદી માટે ગરમીમાં પણ ભારે ભીડ આ વર્ષે વૈશાખનાં લગ્નનાં ઢોલ ચૈત્રમાં ઢબુકશે
આ વર્ષે વૈશાખ માસમાં લગ્નનાં મુહૂર્ત નાં હોઈ ચૈત્ર માસમાં લગ્નના ઢોલ ઢબુકશે. જેથી લગ્નોની ખરીદી અર્થે લોકો ઉમટી પડતા બજારોમાં ગરમીમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં બટાકાનાં સારા ભાવોને લઈ ધરતી પુત્રોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જો કે ગ્રામીણ વિસ્તારોમાં વૈશાખ માસમાં મોટાપાયે લગ્ન યોજાતા હોય છે પણ આ વર્ષે વૈશાખ માસમાં લગ્નના મુર્હત આવતા નાં હોઈ ચૈત્ર માસમાં લગ્નની સીઝન જામશે. આમ તો ચૈત્ર માસ દેવ-દેવતાઓની ભક્તિ અને આરાધનાનો મહિનો ગણાય છે.તેથી આ માસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં રમેલો પણ મોટા પ્રમાણમાં યોજાતી હોય છે પરંતુ આ વખતે લગ્નોની મોસમ પણ જામશે.જો કે આ વર્ષે સોના ચાંદીનાં ભાવો આસમાને છે તેમ છતાં પણ લગ્નોની ખરીદી માટે મોટા પ્રમાણમાં લોકો બજારોમાં ઉમટી રહ્યા છે.તેથી બજારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.