દિયોદરના સણાદર બનાસ ડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે, તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વૉર્મિંગ છે, જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યુયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકશાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકશાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે. જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.