કચ્છ- સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને તમિલનાડુમાં વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાન કેરીનો મીઠો સ્વાદ કડવો બનશે

ગુજરાત
ગુજરાત

ડીસા સહિત જિલ્લાની માર્કેટોમાં કેરીની આવકોમાં ધરખમ ઘટાડાથી ભાવોમાં તોતિંગ વધારો

આ વર્ષે કેરી ખાવી પડી મોંઘી પડી શકે તેમ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડીસા સહિત જિલ્લાની માર્કેટમાં કેરીની આવક ઓછી હોઈ કેરીનાં ભાવમાં ધરખમ વધારો થવા પામ્યો છે. જેના કારણે કેરીનો મીઠો સ્વાદ આ વખતે કડવો બની શકે તેમ છે.

ફ્ળોનો રાજા એટલે કેરી. જોકે આ વર્ષે સમગ્ર રાજ્યમાં કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રારંભે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનાં કારણે કેરીનો મોટા ભાગનો ફાલ ખરી જતા કેરીનો પાક ઓછો ઉતર્યો છે જેમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી આવતી વિખ્યાત કેશર અને બદામ કેરીનાં પાકને આ વાવાઝોડાએ વ્યાપક અસર કરી છે તો બીજી તરફ તમીલનાડું તરફથી આવતી રત્નાગીરી અને સુંદરી કેરીનો તૈયાર પાક પણ કમોસમી વરસાદનાં કારણે બગડી જતા આવક ઘટવા પામી છે આમ ચાલુ વર્ષે કેરીની આવક ઘટવા સાથે ભાવમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વર્ષે કેરીનાં ભાવોમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. ભાવોની વાત કરીએ તો  રત્નાગીરી કેરીના એક ડઝનનાં 900 રૂપિયા બોલાઈ રહ્યા છે તો કેસર કેરી 350 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચાઈ રહી છે તેમજ બદામ કેરીનાં ભાવ પ્રતિ કિલો 150 થી 170 વચ્ચે બોલાઈ રહ્યા છે તો સુંદરી કેરીનાં ભાવ પણ પ્રતિ કિલો 170 થી 200 સુધીનાં જોવા મળ્યા છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનાં ભાવોમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.

ભાવો ઘટવાની શકયતા નથી : વેપારી આ બાબતે ડીસા માર્કેટમાં કેરીનો વ્યવસાય કરતા હરેશભાઈ માળીએ જણાવ્યું હતું કે આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાના કારણે કેરીના પાકને મોટુ નુકસાન થયું છે તો બીજી તરફ તમીલનાડુંમાં પણ વરસાદી કહેરનાં કારણે કેરીનાં તૈયાર પાકને વ્યાપક નુકશાન થતા હાલમાં કેરીનાં ભાવો ખુબ જ ઊંચા છે. જોકે ઓછી આવકના કારણે આગામી સમયમાં પણ કેરીનાં ભાવો ઘટવાની કોઈ શક્યતા નથી.માટે આ વર્ષે કેરીનો મીઠો સ્વાદ કડવો બની શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.