ડીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને એક વર્ષની કેદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આવેલી મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંકની ભૂલથી આરોપીના ખાતામાં ચેક જમા થઈ જતા આરોપીએ પુરા નાણા પરત ન કરતા તેમજ બેંકને આપેલો ચેક રિટર્ન થતા બેંકે કરેલી ફરિયાદના આધારે ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 9.06 લાખ ચૂકવવા તેમજ નાણા ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.આ અંગેની વિગત એવી છે કે ડીસાના આરતી કોમ્પલેક્ષમાં ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખા આવેલી છે. જે શાખામાં ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર તલાજી ગેલોત ખાતું ધરાવે છે. આ જીતેન્દ્ર કુમારને પ્રવીણ અંબાલાલ ઠક્કરે પોતાનો રૂપિયા 8 લાખનો એસબીઆઇનો ચેક આપેલ હતો. જોકે એસબીઆઇમાં પ્રવીણ અંબાલાલનું ખાતું બંધ હતું પરંતુ મહેસાણા અર્બન બેંકે ચેક ક્લિયરિંગમાં મોકલતા બેંકની ભુલના કારણે ખાતું બંધ હોવા છતાં જીતેન્દ્રકુમારના ખાતામાં આઠ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જેમાંથી જીતેન્દ્ર કુમારે તરત જ ₹4.53.287 જેટલી રકમ ઉપાડી લીધી હતી.

 


બેંકે આ બાબતની જાણ કરતાં તેમણે 90 દિવસમાં બેંકના નાણા પરત આપવાનું કહેલ તેમજ લેખિત બાહેંધરી આપી પોતાનો રૂપિયા 4.53.287નો ચેક આપી બેંકને પૈસા પરત આપવાનો ભરોસો આપ્યો હતો. જે ચેક બેંકે ખાતામાં ભરતા ફંડ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો. જેથી બેંકના મેનેજર જયમીનકુમાર જમનાલાલ પટેલે આ અંગે વકીલ મારફતે બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની નોટિસ પાઠવી હતી. બાદમાં આ અંગે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.જે કેસ ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જે.એસ. પ્રજાપતિ દ્વારા બેંકના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જીતેન્દ્ર તલાજી ગેલોતને ધી.નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે રૂપિયા 9,06,574ની રકમ 30 દિવસમાં ભરવા તેમજ પૈસા ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવી હતી.આ ઉપરાંત આરોપી તરફે અગાઉ થયેલ જાત મુચરકા તેમજ જામીન ખત રદ કરવાનો પણ આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.