ડીસામાં રખડતા પશુ સામે આંદોલન ચલાવનાર ખુદ રખડતા પશુના કારણે અકસ્માતનો ભોગ બન્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખડતા પશુની સમસ્યા નિવારવા નક્કર કાર્યવાહીની માંગ: ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના કારણે અકસ્માતનો ભોગ બન્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક સવાર યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ અગાઉ એક અઠવાડિયામાં 5,000 થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે. ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક રસ્તામાં ભૂંડ દોડી આવતા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સજાયો હતો અને બાઈક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો છે.

ઈજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. અગાઉ તેણે રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં સીઆરપીસી 133 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. તેમ છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યો છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.