![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ચૂંટણી-લડવાના-છે-01-હેડ.jpg)
લોકસભાની ચૂંટણી લડવાનો નથી, હાઈકમાન્ડ જે પણ કોઈ ઉમેદવાર મૂકશે તેણે અમે જીતાડીશું
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે તેના ૧૫ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે અને બીજી ૧૧ ઉમેદવારોની યાદી આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પણ હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ગુજરાતમાંથી સમાપાન થતાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસ મોટાભાગે વર્તમાન ધારાસભ્યો અને મજબૂત નેતાઓને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત પણ કરી નથી. આ વચ્ચે જ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસે બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારી દીધા છે અને હવે પાટણ બેઠક ઉપર કયો ઉમેદવાર આવશે તેણે લઈ ચર્ચાઓ જોવા મળી રહી છે. હાઈકમાન્ડ જગદીશ ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારશે તેવી ચર્ચાઓ ઉઠી હતી પણ ખુદ જગદીશ ઠાકોરે આ વાતનો છેદ ઉડાડી દીધો હતો અને કહ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, હાઈકમાન્ડ જે પણ કોઈ ઉમેદવાર મૂકશે તેણે અમે જીતાડીશું. પાટણ બેઠક ઉપર સિદ્વપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને હાઈકમાન્ડ ચૂંટણી જંગમાં ઉતારી શકે છે અને અંદરખાને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બનાસકાંઠા અને પાટણ તેમજ સાબરકાંઠા એમ ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપશે તેવું રાજકીય પંડિતો પણ માની રહ્યા છે.