ભરૂચના ભોલાવમાં બે આખલા વચ્ચે યુદ્ધ છેડાયું સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આખલાઓ યુદ્ધે ચઢ્યા હતા. જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આખલાઓના યુધ્ધથી સ્થાનિક સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા. લોકોએ પાણી છાટી બંનેને છુટ્ટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ શહેરમાં પશુ માલિકો પશુઓને રખડતા મુકી દેતા તેઓ જાહેરમાર્ગો પર અડીગો જમાવતા હોય છે. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતાં ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે આજ રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આખલાઓ યુદ્ધે ચઢ્યા હતા. બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.આખલાઓ વચ્ચેની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલા બે થી વધારે વાહનોને ભારે નુકસાન પહોચાડ્યું હતું. સ્થાનિક લોકોએ તેમના પર પાણી છાટી છોડાવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિકોના વાહનોને નુકસાન થવાથી તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓને રખડતા મુકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ અને તંત્ર વામણું પુરવાર થતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે.