ધાનેરા તાલુકામાં એક વર્ષ બાદ ખેડૂતોને પ્લાસ્ટિક મળતાં બે ઘણા ખર્ચ સાથે ખેત તલાવડી તૈયાર થશે
ધાનેરા તાલુકામાં 184 જેટલા ખેડૂતોએ ગત વર્ષે ઓનલાઈન અરજી કરી ખેત તલાવડી માટે પ્લાસ્ટિકની માંગણી કરી હતી. જે માંગણી એક વર્ષ પછી પૂર્ણ થતાં ધાનેરા તાલુકામાં એક વર્ષ બાદ ખેડૂતોને પ્લાસ્ટિક મળતાં બે ઘણા ખર્ચ સાથે ખેત તલાવડી તૈયાર થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
ધાનેરા તાલુકાના શિયા, એડાલ, અનાપૂરગઢ, એટા, વાસણ સહિતના ગામોમાં ભૂગર્ભમાં પાણી રહ્યા નથી. જેના કારણે ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના સરહદી ગામોના ખેડૂતોએ પાણીની અછતના કારણે પોતાની જમીન સોલાર ઊર્જાની કંપનીને ભાડે આપી છે. તો અન્ય ખેડૂતો ચોમાસા ઋતુ આધારિત ખેતી કરી રહ્યા છે. જો કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં 24 હજાર સ્કવેર મીટરની ખેત તલાવડી તૈયાર કરી છે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેત તલાવડી માટેના પ્લાસ્ટિકની સહાય સરકાર કરશે.
જો કે પ્લાસ્ટિક મેળવવા માટે ખેડૂતોએ એક વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. ચાલુ વર્ષ દરમિયાન પ્લાસ્ટિક માટે એજન્સીને કામ સોંપતા ધાનેરા તાલુકામાં 184 ખેત તલાવડી તૈયાર થઈ રહી છે. બિપરજોય વાવાઝોડાના કારણે મોટાભાગની ખેત તલાવડી ધોવાઈ ગઈ હતી. જો કે ખેડૂતોએ ફરી વાર ખર્ચ કરી ખેત તલાવડી તૈયાર કરી નાખી છે તેમ ખેડૂત મોડાજી રાજપૂતએ જણાવ્યું હતું. 184 જેટલાં ખેડૂતોએ ગત વર્ષે ઓનલાઇન અરજી કરી પ્લાસ્ટિકની માંગણી કરી હતી