અંબાજી માટે પાંચ દિવસીય મહોત્સવ અંતર્ગત કુલ 750 બસો ફાળવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12થી 16 ફેબ્રુઆરી સુધી ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લા માટે 375 બસો અને 375 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મુકવામાં આવી છે. જેના દ્વારા શ્રદ્ધાળુ માઇભક્તો આ પાંચ દિવસીય મહોત્સવનો લાભ લઇ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

 


આ અંગે મહિતી આપતા એસ.ટી. વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબાજી યાત્રાધામનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો અને 51 શક્તિપીઠ મહોત્સવમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભાવિક શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસ.ટી વિભાગ પણ સજ્જ છે અને પાંચ દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસ.ટી વિભાગ દ્વારા 750 બસો અને 10 મીની બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને 51 શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે.ડ્રાઈવર અને કંડક્ટર સહિત 1600 કરતાં વધુ કર્મચારીઓ આ સેવાયજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે એ રીતે મુસાફરીની સવલત પુરી પાડવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 45 હજાર કરતાં વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો. બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.અંબાજી એસ.ટી ડેપોના ડેપો મેનેજર રઘુવીર સિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત મોનીટરીંગ અને માઈક્રોપ્લાનિંગ હેઠળ કરાયેલા આયોજનમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના 1600 કરતાં વધુ કર્મચારીઓ મા અંબાના સેવાયજ્ઞમાં જોડાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.