છોટા ઉદેપુરના દડી ગામની બંધ ખાણમાં ખાણ ખનીજ વિભાગના દરોડા
છોટા ઉદેપુર જિલ્લાના દડી ગામ ખાતેની એક બંધ ડોલોમાઇટ ખાણમાં ખાન ખનીજ વિભાગે દરોડો પાડીને ગેરકાયદે ખનન કરી રહેલા ચાર મશીન સહિત કુલ રૂ.1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર ઉપરાંત કુદરતી સંપત્તિ પણ ખૂબ ધરાવે છે. છોટા ઉદેપુરમાં સરહદી ગામોમાં ડોલોમાઈટ પથ્થરની ખાણો વર્ષોથી આવેલી છે, આ ખાણોમાંથી કાઢવામાં આવેલું ખનીજ જુદી જુદી રીતે દેશ દુનિયામાં સપ્લાય થાય છે. ત્યારે આનો ફાયદો કેટલાક તકસાધુઓ લઈ લેતા હોય છે અને ગેરકાયદે ખનન કરીને રૂપિયા કમાઈ લેવાની તરકીબો શોધી કાઢે છે.
આવી જ રીતે ચાલતા ખનન ઉપર છોટા ઉદેપુર ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલે ગાળિયો કસ્યો છે. છોટા ઉદેપુરના દડી ગામે એક ડોલોમાઇટ ખનીજની ખાન આવેલી છે, જે હાલ બંધ હાલતમાં છે. તેમાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરાતા હોવાની બાતમી મળતા ખાન ખનીજના ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલે પોતાની ટીમને સૂચના આપીને આ ખાણ ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બંધ ખાણમાં ગેરકાયદેસર રીતે ચાર મશીન ખનન કરતા હોવાથી ખાણ ખનિજ વિભાગે રૂ. 1.60 કરોડના ચારેય મશીન જપ્ત કરી લીધા હતા અને ખાણની બિનઅધિકૃત રીતે કરાયેલા ખનનની માપણી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છોટા ઉદેપુર ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ માફીયાઓ ઉપર કરવામાં આવેલી કાર્યવાહીને લઇને ખાણ કામ અને ખનન માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.