સુરતમાં રાત્રે ઝાડા-ઉલ્ટી શરૂ થતાં દીકરાને લઈ મા-બાપ હોસ્પિટલે દોડ્યા : 4 વર્ષના બાળકનું મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકનું ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યું છે. મોટી રાત્રે બાળકને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા, ત્યારબાદ સવારે તેને માતા-પિતા નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતા પરંતુ બાળકને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા અપેક્ષા નગરમાં શૈલેષ ભારતી પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા છે. શૈલેષ કલર કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો છે. શૈલેષનો બીજા નંબરનો દીકરો ગણેશ 4 વર્ષનો છે. ગતરોજ રાત્રે જમ્યા બાદ આખો પરિવાર સુઈ ગયો હતો. આ દરમિયાન રાત્રે જ ગણેશને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. સવાર પડતાની સાથે જ પરિવાર ગણેશને દઈને નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાના કારણે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું.માતા-પિતા દીકરાને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં બાળકને ફરજ પરના તબીબે તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. ચાર વર્ષના દીકરાને મૃત જાહેર કર્યા હતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે પરિવારના નિવેદન નોંધીને બાળકનું પોસ્ટમોર્ટમ કરવાની દીશામાં તજવીજ હાથ કરી છે.