અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ
અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામલલ્લાનાં દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતાં પહેલાં મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી.અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાનાં દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલાં 10 જાન્યુઆરીથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે, જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફર અયોધ્યા પહોંચ્યા હતા.પહેલી ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર ભક્તિનો માહોલ જામ્યો હતો. એરપોર્ટની અંદર ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી હતી. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામભક્તોએ અયોધ્યા સુધીની મુસાફરી કરી હતી.