બનાસની ઘરા પર અનાજ માફીયાઓ બેફામ ! એક બે પસંદગીના જ તાલુકામાંથી કેમ પકડાય છે અનાજનો જથ્થો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લો એ રાજ્યનો ત્રીજા નમ્બરનો સૌથી મોટો જિલ્લો છે. બે જિલ્લા જેટલો મોટો વિસ્તાર હોવાથી અહી અનેક પાયાની સમસ્યાઓથી પ્રજાજનો પીડાઈ રહ્યાં છે. ૩૮ લાખથી વધુની વસ્તી ધરાવતા આ જિલ્લામાં ગરીબ તેમજ મધ્યમવર્ગનાં લોકોની સંખ્યા વિશેષ છે. આવા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય કુટુંબો માટે સરકાર દર મહિને ઘઉં, ચોખા, ચણા, તેલ સહિતનો અનાજનો જથ્થો વિનામૂલ્યે પહોંચાડે છે. પરંતુ જે સસ્તા અનાજના સંચાલકોએ આવા કુટુંબોને ફ્રીમાં દર મહિને રેશનિંગ જથ્થો આપવાનો હોય છે તે જ સંચાલકો વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી તેમના હક્કનું અનાજ બારોબાર વેચી ગરીબોનાં પેટ પર પાટુ મારતા હોય છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવાની જેમની જવાબદારી છે તે જિલ્લા પુરવઠાતંત્રની કામગીરી સામે જ ગંભીર પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, છેલ્લા કેટલાય વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા અનાજ માફિયાઓ ગરીબોનાં મુખેથી કોળિયો ઝુંટવી તેમનું જીવન નરકાગાર કરી રહ્યાં છે. તેમછતાં જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા આવી બેનંબરી પ્રવૃતિઓ કરનારાઓ સામે નક્કર કાર્યવાહી કરાતી નથી. દરરોજ ગામે-ગામેથી રેશનિંગ સંચાલકોનાં નામની ફરિયાદો જિલ્લા પુરવઠા કચેરીએ થતી હોય છે, આવી ફરિયાદોમાં કોઈને ઓછું અનાજ અપાય છે, તો કોઈને ફિંગર નથી આવતું નાં બહાનાતળે બિલકુલ અનાજ નથી મળતું હોવાની, તો વળી કેટલાક લોકોને અનાજ કેટલું અપાયું તેની કુપન પણ અપાતી નથી. એટલું જ નહી, ગ્રાહકો દ્વારા આવતી ફરિયાદોમાં સહુથી મોટી ફરિયાદ ખુબ જ ખરાબ ગુણવતાનું અનાજ અપાતું હોવાની જાણવા મળે છે. જિલ્લાના ૧૪ તાલુકાઓના ૧૨૦૦થી વધુ ગામડાઓમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે છતાં જિલ્લા પુરવઠા વિભાગ કોઈ જ દાખલરૂપ પગલાં ભરતું નથી, માત્ર જયારે વધુ વિવાદ સર્જાય ત્યારે એકાદ બે રેશનિંગ સંચાલકો સામે કાર્યવાહી કરી તેની મીડિયામાં મોટી મોટી પ્રેસનોટ જાહેર કરાવી સબ સલામતીની ગુલબાંગો ફૂંકવામાં આવે છે. જેને લીધે જિલ્લા પુરવઠા તંત્રની નીતિ અને રીતિ બન્ને સામે જન આક્રોશની સ્થિતિ સર્જાઈ છે.

આખરે સસ્તી પબ્લિસિટી સમાન નામમાત્રની જ કાર્યવાહી કેમ ?
બનાસકાંઠા જિલ્લામાં અનાજનાં જથ્થાને લઇ સહુથી વધુ ફરિયાદ સરહદી વિસ્તારો જેવા કે વાવ, સુઈગામ, દિયોદર અને લાખણી તાલુકામાં જાેવા મળતી હોય છે. પરંતુ આ તમામ તાલુકાઓમાં અનાજનો કાળો કારોબાર ચલાવનારાઓ પર જિલ્લા પુરવઠા અધિકારીનાં છુપા આશિષ હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જિલ્લામાં જયારે પણ પુરવઠાતંત્ર સામે આંગળી ઉઠે છે. ત્યારે દાંતા અને વડગામ જેવા સિલેક્ટેટ વિસ્તારના સિલેક્ટેડ લોકો સામે જ કાર્યવાહી થાય છે. આ મુદ્દે સસ્તા અનાજનાં એક સંચાલકે નામ નહી આપવાની શરતે જણાવ્યું હતુ કે, જે લોકો પાસે કોઈ રાજકીય ઓળખાણ નથી તેવા સામાન્ય સંચાલકો પર જ પુરવઠાતંત્ર કાયદાનું શસ્ત્ર ચલાવે છે, જયારે અન્ય રાજકીય વગદાર લોકો તો બેફામ અનાજનો કાળો કારોબાર ચલાવી ખુલ્લેઆમ નેતા બની ફરતા હોય છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી સસ્તી પબ્લિસિટી માં રચયાં-પચ્યાં રહેવાને બદલે નક્કર કાર્યવાહી કરે તો જ બનાસની ધરા પર બેફામ બનેલા અનાજ માફિયાઓ પર અંકુશ આવી શકશે.

લ્યો બોલો, વર્ષોથી રેશનિંગનું કાળાબજાર કરનારા પણ હવે નેતા બની ગયા !
જિલ્લા પુરવઠા વિભાગના વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો, બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એવા અનેક રેશનિંગ સંચાલકો છે કે જેઓએ વર્ષો સુધી કેરોસીન, ઘઉં, ચોખા વગેરેનું કાળાબજાર બિન્દાસ્ત ચલાવ્યું, એટલું જ નહી, આવા રેશનિંગ માફિયાઓએ જે-તે સમયે પુરવઠા અધિકારીઓના વહીવટ દારની ભૂમિકાઓ નિભાવી અધિકારીઓને પણ જલસા કરાવ્યા અને પોતે પણ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા. અને હવે આવા અસામાજિક તત્વો પણ મોટા રાજકીય પક્ષોમાં જાેડાઈ ભ્રષ્ટાચારમુક્ત વહીવટની શેખીઓ મારતા જાેવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.