ઈડર માર્કેટયાર્ડમાં સરકારી અનાજનો રૂ. 34.25 લાખનો જથ્થો ઝડપાતા 4 વેપારી સામે ફરિયાદ નોંધાઇ
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલ માર્કેટયાર્ડમાં ચાર દિવસ પહેલા રાત્રીના સમયે પુરવઠા વિભાગની ટીમે ધ્વારા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઘઉં, ચોખા અને ચણાનો દોઢ લાખ કિલોગ્રામથી વધુનો જથ્થો ઝડપી લીધા બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે ઇડર મામલતદારે ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ઈડરમાં જુના માર્કેટયાર્ડમાં આવેલ સહકાર ટ્રેડીંગ, શાહ રતનલાલ પન્નાલાલ, ભારત એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝ, નેશનલ ટ્રેડર્સ નામની ચાર પેઢીમાંથી ચાર દિવસ પહેલા શનિવાર અને રવિવારે દાંતા, ઇડર અને ગાંધીનગર પુરવઠા ટીમ દ્વારા કરેલ રેડ દરમિયાન આ પેઢીના માલિકો પાસેથી કોઈ નક્કર પુરાવા વગરનો જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), હેઠળ વિતરણ થતો ફોર્ટીફાઈડ ચોખાનો જથ્થો કે જે ચોખાનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફક્ત કાર્ડ ધારકોને જે સરકાર દ્વારા આપવામાં આવે છે અને તે ખુલ્લા બજારમાં લે-વેચ કરી ન શકાય તે વેચાણ અર્થે રાખી તેમજ ઘઉં અને ચણાના જથ્થાના સ્ટોક રજિસ્ટર બીલો રજુ કરેલ. તે બીલો અધુરી વિગતના તેમજ શંકાસ્પદ જણાતા હોય જે તમામ સ્ટોક પૈકી ચોખા 180.600 કિલોગ્રામ રૂ 13,04,515.5 ,ઘઉં 1,00,800 કિલોગ્રામ રૂ 20,16,000 ,ચણા 2089.400 કિલોગ્રામ રૂ.1,04,472.5 મળી કૂલ જથ્થો રૂ 34,24,928 અને આઈશર ગાડી નં GJ-05-AT-2810,આઈશર ગાડી નં GJ-09-Z-4760 બંનેની કીમત રૂ.5 લાખ મળી કૂલ રૂ 39,24,928 નો જથ્થો મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. જેને લઈને ઇડર મામલતદારે સોમવારે રાત્રે ઇડર પોલીસ સ્ટેશનમાં ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ઇડર પોલીસે ઇડર મામલતદારની ફરિયાદ આધારે ગુજરાત એસેન્સીઅલ આર્ટીક્લ્સ ડીલર્સ (રેગ્યુલેસન્સ)ઓડર્ર-1977ની કલમ (3),ક-(8)અને કલમ –(9)તેમજ PDS કંટ્રોલ ઓર્ડર -2001 ની કંડીકા-6(4),ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (લાઈસન્સ,નિયંત્રણ અને સ્ટોક જાહેરાત)હુકમ,1980 ની કંડીકા -19,આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ (3) અને કલમ-(7) મુજબ ચાર વેપારીઓ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.