બનાસકાંઠાના વડગામમાં અરજદારનો નવતર વિરોધ : પ્લોટ ન મળ્યો તો કચેરીમાં ધામા નાખ્યા
બનાસકાંઠાના વડગામમાં એક અરજદારને વર્ષ 1987માં ફાળવવામાં આવેલો રાહતનો પ્લોટ આજદિન સુધી તંત્ર દ્વારા આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં આજે અરજદાર તેના પરિવાર અને ઘેટા બકરા સાથે વડગામ તાલુકા પંચાયતમાં ધામા નાખતા અધિકારીઓમાં દોડધામ મચી હતી. અરજદારે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી મને પ્લોટ નહીં મળે ત્યાં સુધી અમે કચેરીમાં જ રહીશું.
બનાસકાંઠા જિલ્લાની વડગામ તાલુકા પંચાયતમાં એક અરજદાર ઘરવખરીનો સામાન સાથે ઘેટા બકરા લઈ તાલુકા પંચાયતમાં જ ધામા નાખ્યા છે. અરજદારને 1987માં રાહતનો પ્લોટ મળ્યો હતો જે હજી સુધી તેમને ન મળતા અનેકવાર સરકારી તંત્રને રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા હારી થાકીને અરજદાર વડગામ તાલુકા પંચાયતે ગાડી ભરીને ઘરવખરીનો સામાન લઈ પહોંચ્યા હતા અને ત્યાં જ ધામા નાખ્યા છે. અરજદારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી હું અને મારો પરિવાર અહીં જ રહીશ. ધર્મભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે1987 મને રાહતનો પ્લોટ મળ્યો હતો જે હજુ સુધી મને મળ્યો નથી. જેના ન્યાય માટે આજે હું પંચાયતમાં અમારા પરિવાર સાથે આવ્યો છું મારે ન્યાય જોઈએ છે.જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ રહીશું.આ મામલે વડગામના ટીડીઓ જી.બી. ઠાકોરનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, ટીડીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.