![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/કાર્યક્રમમાં-જતી-મા-દીકરીનું-અકસ્માત.jpg)
કાર્યક્રમમાં જતી મા-દીકરીનું અકસ્માત 7 વર્ષીય દીકરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
વિસનગર શહેરમાં 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં એક્ટિવા લઈને ઘરેથી માતા અને દીકરી બન્ને નીકળ્યા હતા. જ્યાં તેઓ આઇ.ટી.આઇ રેલવે ક્રોસ કરી બંસલ મોલ આગળ પહોંચ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇવા ચાલકે ટક્કર મારતા બન્ને નીચે પટકાયા હતા. જેમાં 7 વર્ષીય દીકરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે માતાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે માતાએ આઇવા ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ 7 વર્ષીય દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હોવાથી તેમની 7 વર્ષીય દીકરી નવ્યાને સ્કૂલ ડ્રેસ પહેરાવી ઇલેક્ટ્રિક એક્ટિવા લઈ શાળાએ મૂકવા નીકળ્યા હતા. તે દરમિયાન આઇ. ટી.આઇ ચોકડી ફાટક પસાર કરી જઈ રહ્યા હતા. તે દરમિયાન બંસલ મોલ આગળ રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલ આઇવા નંબર RJ.38.જીજે.2276 ના ચાલકે પોતાનું આઇવા એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં ટક્કર મારતા સ્નેહાબેન અને તેમની દીકરી નવ્યા બન્ને નીચે પટકાયા હતા. જેમાં નવ્યાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અક્સ્માત સર્જાતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે સ્નેહાબેનને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ બનાવ સ્નેહાબેનએ આઇવા ચાલક વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્નેહાબેનને સંતાનમાં બે બાળકો હતા. જેમાં 7 વર્ષીય નવ્યાનું અક્સ્માતમાં મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.