પાલનપુરમાં રેલવે બ્રિજ તૂટી પડવાના કેસમાં કંપનીના ડાયરેક્ટરના આગોતરા ફગાવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર રેલ્વે બ્રિજ પાસે આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાના કારણે બેના મોતના ચકચારભર્યા કેસમાં આરોપી ડાયરેકટર અને પ્રોજેકટ ઇન્ચાર્જ મહેન્દ્ર ઘેમરભાઇ પટેલને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ જે.સી.દોશીએ આગોતરા જામીન આપવાનો સાફ્ ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે આગોતરા જામીન ફ્ગાવતા હવે પોલીસ માટે આરોપી ડાયરેકટર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલની ધરપકડ માટેનો માર્ગ મોકળો થયો છે.

ગત ઓકટોબર-2023માં પાલનપુર ખાતે રેલ્વે બ્રિજ નજીક આરટીઓ સર્કલ પાસે વિશાળ નિર્માણાધીન બ્રિજનું બાંધકામ અને મોટા ગર્ડરો તૂટી પડયા હતા. જેના કાટમાળ નીચે એક ટ્રેકટર અને રિક્ષા દબાઇ જતા બે વ્યકિતઓના મોત નીપજયા હતા. આ બ્રિજના નિર્માણનું કામ જીપીસી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને આપવામાં આવ્યું હતું. ભારે વિવાદ અને હોબાળા બાદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં એફ્આઇઆર દાખલ કરી હતી. આ કેસમાં મહત્ત્વના આરોપી એવા સાઇટ ઇન્ચાર્જ અને એન્જિનિયર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા સરકાર પક્ષ તરફ્થી જણાવાયું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર આરોપી વિરૂદ્ધ બહુ જ ગંભીર અને પ્રથમદર્શનીય ગુનો બને છે કારણ કે, આરોપી પોતે ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો છે. બ્રિજના નિર્માણને લઇ રાજય અને કંપની વચ્ચે કરાર થયો હતો અને તેની કલોઝ-16 મુજબ, સલામતિ અને સુરક્ષા સંબંધી તમામ પગલાં લેવાની અને સર્વ પ્રકારની કાળજી રાખવાની કોન્ટ્રાકટરની જવાબદારી હતી. આરોપી મહેન્દ્ર ઘેમરભાઇ પટેલ આ કેસમાં પ્રોજેકટ ઇન્ચાર્જ હતા અને બ્રિજની કામગીરી દરમ્યાન સુરક્ષાનું ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી. જે અદા કરવામાં તે નિષ્ફ્ળ રહ્યા છે, તેના કારણે બ્રિજના વિશાળ ગર્ડરો તૂટી પડતા નિર્દોષ વ્યકિતઓના મોત નીપજયા હતા. અરજદાર પોતે સિવિલ એન્જિનિયર અને પ્રોજેકટ ડાયરેકટરનો હોદ્દો ધરાવતો હોઇ તે ગુનામાં મહત્ત્વનો આરોપી ગણાય. ગુનાની ગંભીરતા જોતા કોર્ટે આરોપીના આગોતરા જામીન ફ્ગાવી દેવા જોઇએ. સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ આરોપી પ્રોજેકટ ડાયરેકટર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલના આગોતરા જામીન ફ્ગાવી દીધા હતા. હાઈકોર્ટે આરોપી પ્રોજેકટ ડાયરેકટર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલના આગોતરા જામીન ફ્ગાવતા ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી પોતે કંપનીમાં ડાયરેકટર છે અને બ્રિજના પ્રોજેકટ સંબંધી જવાબદારી તેને સોંપવામાં આવી હતી ત્યારે સલામતી અને સુરક્ષા સંબંધી પગલાં અને કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખવાની તેની ફરજ હતી. પ્રસ્તુત કેસમાં અરજદાર દ્વારા ગંભીર નિષ્કાળજી દાખવાઇ જેના કારણે કમનસીબ દુર્ઘટના સર્જાઇ અને બે નિર્દોષ વ્યકિતઓના મોત નીપજયા. અરજદારે સલામતી વિષયક પગલાં સંદર્ભે પૂરતું ધ્યાન આપ્યું જ નથી તે સ્પષ્ટ થાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.