પીએમ મોદીનાં ગામમાંથી મળી આવ્યા 2800 વર્ષ જૂની વસ્તીના અવશેષો, ભારતમાં બીજે ક્યાંય નથી મળ્યો આવો રેકૉર્ડ

ગુજરાત
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસ્તીના અવશેષો મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય અને ડેકન કૉલેજના સંશોધકોને વડનગરમાંથી 800 બીસી પહેલાની જૂની માનવ વસ્તીના પુરાવા મળ્યાં છે.

IIT ખડગપૂરના ડૉકટર અનિંધ્ય સરકારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે 2016થી ખોદકામ ચાલી રહ્યું છે અને ટીમે 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ માનવ વસ્તી 800 બીસી પહેલાની હોવાનું જણાય છે. આમાં સાત સાંસ્કૃતિક વારસાની ઉપસ્થિતિ હોવાનું જણાય છે.

એએસઆઈના પુરાતત્ત્વ વૈજ્ઞાનિક અભિજિત અંબેકરે કહ્યું કે,” ઊંડા ખોદકામમાં મૌર્ય, ઈન્ડો ગ્રીક, શક-ક્ષત્રપ, હિંદુ-સોલંકી, સલ્તનત- મુઘલથી ગાયકવાડ-બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના સાત સાંસ્કૃતિક સમયગાળાની હાજરી બહાર આવી છે અને આજે પણ શહેરનો વિકાસ થઈ રહ્યો છે. અમારાં ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે.” તેમણે કહ્યું કે, ” અમને વિશિષ્ટ પુરાતત્વીય કાલકૃતીઓ , માટીનાં વાસણો, તાંબુ, સોનાં, ચાંદી અને લોખંડની વસ્તુઓ, અને અદ્ભુત ડીઝાઇન વાળી બંગડીઓ પણ મળી આવી છે.

અમને વડનગરમાં ઈન્ડો ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટ્સના સિક્કાના મોલ્ડ પણ મળ્યા છે. આંબેકરે જણાવ્યું હતું કે વડનગર એ અર્થમાં પણ અલગ છે કે પ્રાચીન ઈતિહાસથી લઈને મધ્યકાલીન સમયગાળા સુધીના ચોક્કસ ઘટનાક્રમ સાથે પુરાતત્વનો આવો રેકોર્ડ ભારતમાં બીજે ક્યાંય જોવા મળતો નથી.

IIT ખડગપુરે એક નિવેદનમાં કહ્યું કે વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનાં અધ્યયનથી એ પણ જણાય છે કે આ 3000 વર્ષો દરમિયાન વિભિન્ન સામ્રાજ્યોનું ઉદય અને પતન તેમજ મધ્ય એશીયાઇ યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર કરવામાં આવેલા હુમલાઓથી હવામાનમાં ગંભીર ફેરફારો જેમ કે વરસાદ અથવા દુષ્કાળથી પ્રભાવિત રહ્યું છે.

આ અધ્યયન એલ્સવિયરની પત્રિકા, ‘ક્વાટરનરી સાયન્સ રિવ્યુઝ’, માં ‘ પ્રારંભિક ઐતિહાસિકથી મધ્યયુગીન કાળ સુધી જળવાયું, માનવ વસ્તી અને પ્રવાસ: પશ્ચિમ ભારત, વડનગરમાં નવાં પુરાતત્વીક ખોદકામથી મળેલાં પુરાવા’ વિષયથી પ્રકાશિત થયું છે. આ ખોદકામનું નેતૃત્વ એએસઆઈ એ કર્યું છે, જો કે ગુજરાત સરકારનાં પુરાતત્ત્વ અને સંગ્રહાલય અને ડિરેક્ટોરેટે તેને ફંડ આપ્યું છે. વડનગર બહું સાંસ્કૃતિક અને બહું ધાર્મિક વસ્તી પણ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.