ભીલડીમાં રાત્રે તસ્કરોએ એક જવેલર્સની દુકાનને નિશાન બનાવી
ડીસાના નવીભીલડીમાં સોમવારની રાત્રે તસ્કરોએ એક જવેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. જોકે, મજબુત જાળી ન તૂટતાં તેની નજીક પડેલું કાઉન્ટર તોડી અંદરથી રૂપિયા 1.28 લાખના ચાંદીના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા તપાસ હાથ ધરી હતી. નવી ભીલડીમાં મોટા નાળાની સામે બજાર વચ્ચે આવેલી કુમકુમ જવેલર્સની દુકાનને સોમવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનના બહારના શટરના તાળા તોડ્યા હતા. લોખંડની જાળી ન તોડી શકતાં દુકાનની અંદરની સાઇડે પડેલા કાઉન્ટરને તોડ્યું હતુ. અને જાળીમાંથી હાથ નાંખી ચાંદીની કાંબીઓ, ગંગામૂર્તિ, ગોળવા, કડલાં, લક્કી, પંજાબી કડા, ચાંદીના ગ્લાસ, વાટકી, ચમચી, મંગળસૂત્ર, ફોટા ફ્રેમ મળી કુલ રૂપિયા 1,28,500ના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. મંગળવારે વહેલી સવારે ચોરી થઇ હોવાની જાણ થતાં વેપારીએ ભીલડી પોલીસ મથકે જાણ કરી હતી.
વેપારીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ભીલડીમાં શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કર ટોળકી સક્રિય થઇ છે. ત્યારે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.