ઇડરીયા ગઢ ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને ગાંધીનગર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે આજે રાજ્યકક્ષાની ચતુર્થ ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં 6 જિલ્લાના 248 જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓ અને બહેનો વિભાગના 20 વિજેતા સ્પર્ધકોને રૂ.2 લાખ 34 હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ઈડરિયા ગઢ ખાતે શનિવારે યોજાયેલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 137 ભાઈઓ અને 111 બહેનોનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગત વર્ષ 2023-24ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા.આ સ્પર્ધામાં એકથી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ અને બહેનો વિભાગના સ્પર્ધકોને રૂપિયા.25000થી શરૂ કરી દસમાં ક્રમે વિજેતા થનારને રૂપિયા. 5000 સુધીના રોકડ પુરસ્કારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ સહિતના જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.


આ અંગે ઇન્ચાર્જ સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી આશાબેન પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોહણ અને અવરોહણ સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઇડર ગઢની તળેટીમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં 1થી 10 ભાઈઓ અને 1થી 10 બહેનો એમ 20 વિજેતા સ્પર્ધકોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકને રૂ.25,000, બીજા નંબરને રૂ 20,000, ત્રીજા નંબરને 15,000, ચોથા નંબરને 12,000, પાંચમાં નંબરને 10,000, છઠ્ઠા નંબરને 9,000, સાતમાં નંબરને 8,000, આઠમાં નંબરને 7,000, નવમાં નંબર 6,000 અને દશમા નંબરને રૂ 5,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ 1થી 10 ભાઈઓ 1,17,000 અને બહેનો 1,17,000 મળી કુલ 20 જણાને રૂ 2,34,000ના ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇડર મામલતદાર, ઇડર તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજ્યના વિવિધ ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.