નડાબેટ ખાતે દેશ-વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષસ્તામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી.આ મિટિંગમાં જિલ્લા કલેકટર દ્વારા પતંગ મહોત્સવનું સુચારું આયોજન થાય અને એની ભવ્ય ઉજવણી કરવામાં આવે એ સંદર્ભે અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.વધુમાં કલેકટરએ પતંગરસીકો અને દર્શકોને કોઇ જ તકલીફ ન પડે તથા તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટેના સૂચનો કર્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ અને વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ આવીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કૌવતનું નિદર્શન કરશે.જેનાંથી હર્ષોલ્લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગ વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે.આ મિટિંગમાં કલેકટર વરૂણકુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષકઅભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.